ગુજરાત પ્રાંતના પૂર્વ પ્રાંત સંઘચાલક ડો.અમૃતભાઈ કડીવાલા આપણને છોડીને ચાલ્યા ગયા .૮૩ વર્ષની ઉંમરમાં સંપૂર્ણ રાષ્ટ્રવાદી જીવન જીવનાર ગુજરાતના પાયાના પથ્થર કહી શકાય એવા સંઘના શરૂઆતના સ્વંયસેવકો માંહેના એક એટલે ડો. અમૃતભાઈ કડીવાલા.પારિવારિક જીવનમાં ,વ્યવસાયિક જીવનમાં ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં અને અન્ય સામાજીક સંસ્થાઓમાં એક આદર્શ સ્વયંસેવક નો વ્યવહાર કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ મૂકતા ગયા.
સંઘની શાખામાં મુખ્યશિક્ષક-કાર્યવાહથી માંડીને અનેકવિધ જવાબદારીઓ સંભાળતા સંભાળતા પ્રાંતના શારીરિક પ્રમુખ ,પ્રાંતના કાર્યવાહ અને પ્રાંતના સંઘચાલક તરીકે વર્ષો સુધી ગુજરાતમાં માર્ગદર્શન આપ્યું .આજની કેડર ઉભી કરવા માટેનો એક મોટો સિંહ ભાગ તેમનો છે.
મારે એમબીબીએસના અભ્યાસ માટે કર્ણાવતી બી.જે.મેડિકલ કોલેજમાં જવાનું થયુ.અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ કોલેજની સવારની પ્રભાત શાખા ના મુખ્ય શિક્ષક અને બાદમાં કાર્યવાહ તરીકેની મારી જવાબદારી હતી ત્યારે અમૃતભાઈ કડીવાલા પ્રાંતના શારીરિક પ્રમુખ હતા. અમારી પ્રભાત શાખામાં મળવાનું થતુ.એક શારીરિક પ્રમુખ પ્રભાત શાખા માં આવી શીખવતા એટલું જ નહી પરંતુ ગપસપ કરવા મેડિકલના વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલની કેન્ટીનમાં નાસ્તો કરવા રોકાતા.
ગુજરાત પ્રાંતના પ્રાંત સંઘચાલક તરીકે કામ કરતા રાજકોટના ડોક્ટર પી.વી.દોશી (પપ્પાજી ) ઉંમરના કારણે નાદુરસ્ત તબિયતના લીધે પ્રાંત સંઘચાલક તરીકેની જવાબદારી માન.અમૃતભાઈ ને ભાગે આવી ,જે તેમણે ૨૦૧૨ સુધી સુપેરે નિભાવી.
કર્ણાવતીમાં મારો અભ્યાસ પૂર્ણ થયા બાદ મોરબીમાં આવવાનું થયું .ત્યાર પછી સંઘની વિવિધ જવાબદારી જેવી કે બૌધ્ધિક પ્રમુખ ,નગર સંઘચાલક ,જિલ્લા સંચાલક અને સહ પ્રાંત કાર્યવાહ તરીકે માન્ય અમૃતભાઈ સાથે અનેક વાર મળવાનું થતુ. માનનીય અમૃતભાઈ એટલે શારીરિકનાં જીવ. ઘણા વર્ષો સુધી સંઘ શિક્ષા વર્ગમાં આ લાભ સૌને મળેલ.પ્રાંત કાર્યવાહ તરીકે પણ ગુજરાત પ્રાંતના સંઘકાર્યને દ્ઢ અને સમૃદ્ધ બનાવવામાં તેમનો અનન્ય ફાળો રહેલો છે.પ્રાંત સંઘચાલક બન્યા પછી થોડા સમયને બાદ કરતા એમણે એકલા હાથે સંઘચાલક તરીકે સંપૂર્ણ પ્રાંતનુ માર્ગદર્શન અને પ્રવાસ કરવાનું રહ્યું.અવારનવાર સંઘચાલકોની બેઠકમાં સંઘચાલકો ના ગટ સમક્ષ તેઓ પોતાની નાની-નાની વાતોથી સંઘચાલકોને સંઘમાં પાલક અને માલિક તરીકે શું કામ કરવું તેનો વિચાર સહજ વાત વાતમાં કહી દેતા.
સંઘ શિક્ષા વર્ગમાં જ્યારે એમનો પ્રવાસ હોય ત્યારે તેમની સાથે અનૌપચારિક વાર્તાલાપમાં પણ ઘણું પ્રશિક્ષણ મળતુ.સંઘની બેઠકમાં , બેઠક વચ્ચેના સમયગાળામાં પણ નાના-નાના ઉદાહરણો અને પોતાના સ્વયં નિરીક્ષણ વડે શીખવવાની તેમની એક આગવી પદ્ધતિ હતી.આમ પણ સંઘના દરેક કામમાં ચોકસાઈનું ખૂબ મહત્વ હોય છે,પરંતુ અમૃતભાઇ ચોકસાઈ માં પણ ખૂબ જ ચોકસાઇ રાખવાવાળા.રેલ્વે ની ટિકિટ બુક બીજાએ કરાવી હોય તો સ્વયં પોતે નિરીક્ષણ કરીને તારીખ સમય તપાસે. કાર્યક્રમોની પત્રીકા મા પણ એકદમ ઝીણી વાતો નું ધ્યાન રખાવતા.આયોજન કરવામાં એક એન્જિનિયર કેવી રીતે પોતાના કામો ની નાની-નાની પાયાની વાતોનુ ધ્યાન રાખે એવું એમનું સમગ્ર કાર્યમાં દેખાઈ આવે
સ્વ.અમૃતભાઈ વ્યવસાયે એન્જિનિયર હતા. પરંતુ ભાષાવિજ્ઞાનના સારા અભ્યાસુ .ગુજરાતીના અનેક પુસ્તકો ખાસ કરીને સંઘના જે પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ થયો તેનિ જોડણી સુધારો કરવાનો અને સંઘ ની કોઈ પત્રિકાઓની અંદર નાની-મોટી જોડણી, વ્યાકરણનાં સુધારવામાં ખૂબ મદદરૂપ થતા .મારા નામ અને અટક માં પણ ભાષા વિજ્ઞાન પ્રમાણે આમ હોવું જોઈએ તેવું મને એમણે બતાવેલું.
નાની નાની વાતોમાં ચીવટ રાખવાનો તેમનો સ્વભાવ હતો.એક વખત બેંગ્લોરમાં અખીલ ભારતીય બેઠક વખતે પરત આવ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે એમનુ એક વસ્ત્ર ભૂલથી બેઠક સ્થાને રહી ગયું છે.સામાન્ય રીતે કોઈ વસ્તુ રહી જાય તો ત્યાં પ્રબંધકોને આ વસ્તુ કોની રહી ગઇ તે ચિંતા ન થાય એટલા માટે એમણે એક પોસ્ટકાર્ડ પ્રબંધક વ્યવસ્થા ને લંખેલ. મારુ વસ્ત્ર રહી ગયું છે પરંતુ કોઈ ચિંતા કરતા નહીં .મોકલવાની ઉતાવળ પણ કરતા નહીં.
સંઘમાં જેમ અનુશાસન છે તેમ સમાજના જુદા જુદા સ્થાનમાં પણ અનુશાસન હોવુ જોઈએ એવો તેમનો આગ્રહ .એક વખત બેઠકમાં જતી વખતે રેલવેના ડબ્બામાં રીઝર્વેશન વગરનાં મુસાફરો અંદર આવીને માથાકૂટ કરતા તેઓ એકદમ ગુસ્સે થઈને તેમને યોગ્ય પાઠ ભણાવ્યો હતો.
નિયમિત શાખામાં જવાનો આગ્રહ કાયમ માટે રહયો.જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી નિયમ પાળ્યો .બેઠકમાં પણ જ્યાં અપેક્ષિત ત્યાં ઉપસ્થિત પોતે જ્યારે વાહન ચલાવી શકતા નહોતા ત્યારે અન્ય સ્વંયસેવકને સંપર્ક કરીને પણ નિયત સ્થાને સમયસર પહોંચવા માટેનો આગ્રહ રાખતા.
શરીરના સ્વાસ્થ્ય માટે ડૉકટરોની સલાહ લેવી અને તે અનુસાર કરવું. ડોકટર જે સલાહ આપે તેને અનુસરવાનો આગ્રહ રાખતા. હૃદયના બાયપાસ ઓપરેશન માટે એલોપથી પસંદ કરે તો ડાયાબીટીસ અને બીજી નાની-મોટી તકલીફો માટે પ્રાકૃતિક સારવાર અને આયુર્વેદનો ઉપયોગ કરતા. holistic approach એમના જીવન દરમિયાન રહ્યો.
અમૃતભાઈ આટલી બધી જવાબદારીઓ નિભાવવા છતાં પરિવારના દરેક સભ્યો નું શિક્ષણ ,પ્રશિક્ષણ પ્લેસમેન્ટ થાય એ માટે હંમેશા યોગ્ય કરતા રહ્યા અને ક્યારેય સંબંધોનો ઉપયોગ ન કર્યો . દૂર ના પ્રવાસમા પણ પોતાની પત્નીની તબિયત ના સમાચાર યોગ્ય સમયે ફોન દ્વારા પૂછી લેતા .એટલું જ નહીં પરંતુ નાની ઉંમરમાં પોતાના પુત્રને ગુમાવ્યા પછી પણ તેમના પરિવાર ની ખૂબ કાળજી રાખતા. પોતે પૌત્ર ને ગણિત શિખવાડતા અને પોતે પૌત્ર અને પૌત્રી પાસેથી નવી ટેકનોલોજી , મોબાઇલ , ફેસબુક વિગેરે શીખીને સક્રિય પણ રહેતા. પોતાના પરિવારના એક દૂરના બહેન કે તેમને કોઈ સાચવવા વાળા નહોતા ,એમને મૃત્યુ સુધી અમૃતભાઈ ના ઘરમાં સાથે રહ્યા.
સંઘની અખિલ ભારતીય બેઠકમાં અમૃતભાઈ અમદાવાદથી ખાસ જમ્યા પછીના મુખવાસની અલગ અલગ વેરાઇટી સાથે લાવે. બેઠકમાં બધા ભોજન પછી અમૃતભાઈ પાસે મુખવાસ માટે હાથ લાંબો કરે.
સંઘના બૌધ્ધિક કાર્યક્રમમાં લેવાના વિષયોને ક્રમશઃ મુદ્દાસર લખીને તૈયાર કરે તથા વિષયનું પુનરાવર્તન ન થાય અને ઉદાહરણો સાથે બધા નો રસ જળવાઈ રહે તેવો તેમનો પ્રયત્ન રહેતો.એક વખત પ્રવાસ નિશ્ચિત થાય તો કોઈપણ સ્વરૂપમાં અડચણ આવે છતાં પણ પ્રવાસ પૂર્ણ કરવાનો આગ્રહ રાખતા.પોતાની નિયમિત નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ માનદ સેવા આપવા જતા અને એન્જીનીયરીગ ના વિદ્યાર્થીઓને ભણાવવા જતા. તેઓ નિયમિત પણે મંગળવારે ગાંધીનગર અને કર્ણાવતીના સરકારી પ્રશાસનિક અને વિશેષ અધિકારીઓને મળવા સંપર્ક માટે જતા.
૨૦૦૯ની સાલમાં મારી સહ પ્રાંત કાર્યવાહ માંથી સહ પ્રાંત સંઘચાલક તરીકે નિયુક્તિ થતા મારી પાસે એમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે મને સાથીદાર મળી ગયા. અમારા બંનેમા ઉંમર અને સંઘ કાર્યના અનુભવનો મોટો તફાવત હોવા છતા ક્યારેય લાગવા ન દેતા. તેમનો પ્રવાસ તો વધારે રહે એટલું જ નહીં જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે પોતે પ્રાંતના પોતાના પ્રવાસોની વિગતો મારી સાથે વિગતવાર શેર કરતા .
માનનીય અમૃતભાઈ સાથે અખિલ ભારતીય બેઠકોમાં 2001થી 2012 સુધી જવાનું થયું .ઘણી બેઠકોમાં પરિવાર સાથે પણ જોડાયા હતા અને બાકીના બધાના પરિવાર સાથે જોડાયા હોય તો તેમને એક વડીલનો સરસ સુંદર મજાનો અનુભવ થતો.
સંઘ કાર્યમાં પ્રવાસનું જેટલું મહત્વ છે એટલું અનુવર્તનનુ પણ છે .તેમણે ઘણા વર્ષો સુધી એક ટેવ રાખી હતી કે ક્યાંય પણ પ્રવાસ કર્યા પછી પરત ફરે તો તુરંત એક પત્ર જ્યાં પ્રવાસ કર્યો હોય ત્યાં ના કાર્યકર્તા ને લખતા અને પરિવારના દરેક સભ્યોને યાદ કરતા ભાવનગરના સંચાલક ડો ચેતનભાઇ ની નાની દીકરી હેતવી એમને દાદા કહીને ખૂબ યાદ કરતી.
મને અમૃતભાઈ પાસેથી બેઠકોની સમાપન વખતે ઘણી વખત સાંભળવા મળ્યું ,તેમાં ઇઝરાયેલ ની ક્ષમતા તેના પ્રજાજનોની એક દ્રઢ નિર્ધાર અને જીદ ને વારંવાર યાદ કરાવતા.
માનનીય અમૃતભાઈ ના ભાગે સંઘ સિવાય સેવાભારતી અને અન્ય ઘણા બીજા ટ્રસ્ટોનું કામ પણ રહેતું. દરેક બેઠકની મીનીટ્સ બરાબર લખાય તે જેતા . સમવિચારી સંગઠનોના સંપર્ક સૂત્ર તરીકે પણ કામ માટે બધા જ ક્ષેત્ર ના કાર્યકર્તા ને સાચવવાની કળા તેમની પાસે સ્વભાવીક હતી.
કર્ણાવતીમાં તેમના ઘરની નજીકના વિસ્તારમાં મારા પુત્રએ એક મકાન લીધુ ત્યારે એમણે મળવાની ઇચ્છા દર્શાવી એટલું જ નહીં યોગ્ય સમયે મળીને માર્ગદર્શન પણ આપ્યું.
સંઘની પોતાની જવાબદારીમાંથી મુક્ત થયેલા . પરંતુ ઘણા અનુભવી કાર્યકર્તાઓને મળવાનો ક્રમ રહ્યો એટલું જ નહીં વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અને પોતપોતાના ક્ષેત્રમાં કંઈક મૂંઝવણ અનુભવતા લોકો ને પણ મળીને તેમની મુંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરતા .કેટલાક જુના કાર્યકર્તા કોઈ કારણસર સંઘ વિચારને વિરુદ્ધની સ્થિતિમાં આવી જાય અને જુદી દિશામાં ચાલે તો તેમને સમજાવવા માટે પણ અમૃતભાઈ હર હંમેશ તૈયાર રહેતા.
અમારા પરિવારના બધા શુભ પ્રસંગોમાં તેઓ લાંબુ અંતર કાપીને પણ પોતાના સ્વાસ્થ્ય ઠીક ન હોય ત્યારે પણ હાજર રહેતા અને અમારા આનંદમાં અનેરો વધારો કરતા.
મને ગર્વ છે કે તેમના પછી મને મળેલ જવાબદારીમાં તેમનું ખૂબ માર્ગદર્શન રહ્યું. 2012માં મારી પ્રાંત સંઘચાલક તરીકે નિયુક્તિ થયા પછી મારે શું કરવું તે સમજવા હું એમના ઘરે મળવા ગયો ત્યારે થોડાક શબ્દોમાં કહ્યું કે આજુબાજુના લોકોને જોતા રહેવા ,મળતું રહેવું અને બધું અનુભવે શીખવા મળતું હોય છે .બોલવું ઓછું , કામ વધારે કરવું અને જરૂર લાગે યોગ્ય સાચા સ્પષ્ટ શબ્દોમાં સત્ય વાતની સાથે રહેવું જે વાતનો અમલ તેમણે જીવનભર કર્યો.
કોરોના ના સમયગાળામાં મળવાનો ક્રમ અને પ્રવાસ ઓછા થયા પરંતુ થોડો સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ઓનલાઇન પોર્ટલ ઉદ્ઘાટન વખતે તેમને નિરાંતે મળવાનું થયું .સાથે રહ્યા ,ભોજન કર્યુ એટલું જ નહીં કનુભાઈ મિસ્ત્રી નું અવસાન થતા તેમના પરિવારને મળવા માટે અમે સાથે ગયા હતા .કદાચ સૌથી વધારે સમય તેમની સાથે રહેવાનો મારો એ છેલ્લો પ્રસંગ હશે.
કોરોનાની બીમારી દરમિયાન પ્રથમ વખત હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે એમની સાથે વાત કરવાનું થયુ હતું અને બીજી વખત કોમ્પ્લિકેશન ના કારણે એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા . દાખલ થયા પછી એમણે બીજા દિવસે પણ મારી સાથે વાત કરીને પોતાના શરીરની ચર્ચા કરી હતી.
પરંતુ આ મહામારીમાં ભારતમાતાના અનેક પનોતા પુત્રોને ભગવાને પોતાની પાસે બોલાવી લીધાં એમાં એમનો પણ સમાવેશ થઈ ગયો.અમૃતભાઇ દેહ છોડીને ગયા છે પરંતુ તેમના વિચારો ,કામ કરવાની પ્રેરણા તેમજ આપેલા રાષ્ટ્રીયતા અને પ્રમાણિકતા ના પાઠો બધા જ સ્વયંસેવકોને એમની ગેરહાજરીમાં પણ માર્ગદર્શન કરતા રહેશે .એક સ્વયંસેવક કાર્યકર્તા કે અધિકારીનુ પોતાનું સ્વયંનું જીવન ,પારિવારિક જીવન વ્યવસાયિક જીવન અને સંઘના કાર્યકર્તા તરીકે જવાબદારી માં હોય અને ન હોય ત્યારે કેવું હોય એનું એક આદર્શ ઉદાહરણ મૂકતા ગયા.
ધીરે-ધીરે ગુજરાતની જૂની પેઢીના તારલાઓ જતાજાય છે .પરંતુ તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા નવા તારલાઓ એમની જગ્યા તો ન લઈ શકે પરંતુ તેમની પાસેથી શીખેલા જ્ઞાનનો પ્રકાશ લઈને દિપત તો બની જ શકે. રાષ્ટ્ર અને સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા તેઓ એક મૌન તપસ્વી હતા .ભાગીરથી ના પ્રવાહ જેવા હતા .કે જે પ્રવાહ અને તેને પોષણ આપ્યું છે પરંતુ ભાગીરથી તો સતત વહેતો પ્રવાહ છે. જ્યારે જ્યારે ગુજરાતના કાર્યકર્તાઓને યાદ કરવામાં આવશે ત્યારે એ બધામાં અમૃતભાઈનું નામ બધાને માટે મુખ્ય હશે.
વ્યવસાયિક ક્ષેત્રમાં પોતે એન્જિનિયર પરંતુ soil testing મા પીએચડી કરેલું.નદીઓના પટમાં કુવાઓ ગાળીને તેમાં પાણી કેવી રીતે વધારી શકાય એ માટેનો સંશોધનનો વિષય હતો.જ્યાં જ્યાં તેમણે સોઇલ ટેસ્ટિંગ નું કામ કર્યું એ કામ કરનારી સંસ્થા અને તેના ગ્રાહકો હર હંમેશ સંતોષાયા હતા .આ એક શિક્ષક પોતાના વ્યવસાયિક ક્ષેત્રમા . વાત આવે કે પરિવાર સંઘમાં જવો જોઈએ અને સંઘ પરિવારમાં આવવો જોઈએ .આ માટે પોતાના પરિવારને આ દિશામાં લઇ જવા માટે અને પરિવારના દરેક સભ્યોને સંઘના કોઈને કોઈ કાર્ય સાથે જોડવા માટેનો એમાં સહભાગી થવાનો તેમનો સુંદર પ્રયત્ન રહ્યો.
2001ના ગુજરાતમાં કચ્છના ભૂકંપ વખતે થયેલા પુનઃનિર્માણ ના કાર્યોમાં સેવા ભારતીના એક પદાધિકારી તરીકે તો ખરુ , સાથે સાથે એક સારા એન્જિનિયર તરીકે પણ ખૂબ જ સાતત્યપૂર્વક નવનિર્માણના કાર્યમાં પોતાનુ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું . હજુ પણ બધા જ કાર્યકર્તાઓ વારંવાર યાદ કરે છે.
પરિવારમાંથી જ્યારે કોઈ વ્યક્તિ નું સ્વર્ગાગમન થાય ત્યારે બાકીના બધા લોકોને પોતાની એક વડીલની છાયા ઓછી થઈ ગઈ લાગે જ. આજે ઘણા સ્વંયસેવકો પણ મનથી અનાથ થયાનુ અનુભવશે. સંઘના સ્વયંસેવકોને આમાં મદદરુપ થશે. આવા દિવંગત કાર્યકર્તાઓના કાર્યના દિપકો રાષ્ટ્ર કાર્યને પ્રકાશ દેતા રહેશે.
અમૃતભાઇના ના આત્માને પ્રભુ ચરણમાં સ્થાન તો આપે પરંતુ ફરીથી આવા રાષ્ટ્રીય કાર્યમા જોડાવા માટે તેમનો પુર્નજન્મ પણ ભારત માતાના ચરણોમાં થાય એ જ ભગવાનનાં શ્રી ચરણોમાં પ્રાર્થનાં.
ડો. જયંતિ ભાઈ ભાડેશીયા