તારીખ ૧૨ / ૦૨ / ૨૦૨૩ રવિવારને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ઉત્તર ગુજરાત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, મહેસાણા દ્વારા ઉત્તર ગુજરાત ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવેલુ.
સંમેલનમાં સમાપન સત્રમાં શ્રી દશરથભાઈ પટેલ સમર્થ ગ્રુપ વિસનગર ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્દબોધન કરેલું. સમારોપ સત્રના મુખ્ય વક્તા શ્રી યશવંતભાઈ ચૌધરીએ (પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ) જણાવેલું કે આપણે વિભિન્ન સત્રોમાં આપણા ગામોના થઇ રહેલા કાર્યોની જાણકારી મેળવી. સામાજિક સમરસતા, પર્યાવરણ, જૈવિક કૃષિ, પાણી આવા વિષયોમાં કામ ચાલી રહ્યું છે.
રાષ્ટ્ર સામેની અનેક સમસ્યાઓમાં એક સમસ્યા લોકોનું નગરો તરફ સ્થાનાંતર છે. સ્થાનાંતર ના કારણે અનેક સમસ્યાઓ ઉભી થાય, સ્થાનાંતરણ ગ્રામ્ય અર્થવ્યવસ્થા તૂટે છે અને શહરો પરનું ભારણ વધે છે. સરકારો આ સમસ્યાઓનો ઉકેલવાનો ગંભીરતાથી પ્રયાસ કરે છે. પરંતુ કેવળ સુવિધાઓ આપી દેવાથી કામ થતું નથી કારણ કે જ્યાં સુધી માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી પરિવર્તન નહિ આવે. અને એટલા માટે સમાજનું મન તૈયાર કરવા માટે વિશેષ પ્રયાસો કરવાની આવશ્યકતા છે. વિનોબા ભાવેજીએ કહ્યું છે કે જયારે આપણે ગુલામ બન્યા ત્યારે શહર પરતંત્ર હતા પણ ગામડાઓ પોતાની જરૂરિયાત પોતાની રીતે પૂરી કરતા હતા, તેમને દિલ્હીની સરકારની કોઈ આવશ્યકતા જ ન હતી એટલે ભલે દેશ પરતંત્ર રહ્યું પણ ગામડા પોતાની રીતે સ્વતંત્ર હતા.
પરંતુ અંગ્રેજોના રાજમાં એમને જોયું કે આ દેશની તાકાત ગામડાઓમાં છે, દેશની કુટુંબ વ્યવસ્થામાં છે, દેશના શિક્ષણમાં છે તો જો આ દેશમાં લાંબો સમય રાજ કરવો હોય તો આ વ્યવસ્થા તોડવી પડે. અને એ પ્રકારની શિક્ષણ નીતિ, કરવેરા, નિયમો બનાવવામાં આવ્યા એટલે અંગ્રેજોના કાલખંડમાં ગામડાઓ પણ પરતંત્ર બની ગયા. અંગ્રેજોના શાસન પહેલા આ દેશનું GDP 40% હતું પરંતુ અંગ્રેજોની નીતિઓના કારણે GDP ઘટી ગયું અને આ દેશની સ્થિતિ દીનહીન બની ગયી.
સ્વતંત્રતા પછી ગાંધીજી દ્વારા ગ્રામ કેન્દ્રિત વ્યવસ્થા જે તે સમયની સરકારોએ નહિ સ્વીકારી. આજે પણ સ્થિતિ એવી છે જો અમુક ગામોમાં ૩-૪ દિવસ લાઈટ, ડીજલ, પેટ્રોલ બંદ થઇ જાય તો તેમનું જીવું શક્ય ન રહે. પાણી માટે આજે યુદ્ધના ધોરણે કામ કરવાની આવશ્યકતા છે. વરસાદમાં પાણી જમીનમાં ઉતારવાનું અને ગામનું પાણી ગામમાં રહે તેની વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. અને એજ આપણી સ્વતંત્રતા છે નહિ તો ભારત સ્વતંત્ર થઇ ગયું પરંતુ આપણે પરતંત્ર છીએ. ઉર્જાના ક્ષેત્રમાં સોલાર ઉર્જા, ગોબર ગૈસ, પવનચક્કીનો ઉપયોગ કરી શકીએ. ખેતીમાં ગો આધારિત ખેતી કરી શકાય, યુદ્ધની સ્થિતિમાં કદાજ આપણા પાવર સ્ટેશનના ચાલે, પટ્રોલ ડીજળ ના મળે પણ જો ગો આધારિત ખેતી હશે તો આપણ ને ગોબર ગેસ દ્વારા ઉર્જામાં સ્વાયત્ત થઇ શકીશું. બારની કોઈ વસ્તુ પર આપણ ને નિર્ભર ન રેહવું પડે એવી સ્વતંત્રતા આપણ ને જોઈએ. બ્રિટીશો આવ્યા તે પહેલા આપણા ગામડાઓ સ્વાયત્ત હતા. તો આ ગ્રામીણ જીવનની જે તાકાત છે તેને ઓળખવાની અને એને મજબૂત કરવા માટે આપણે આ ગ્રામ સંમેલનમાં ચર્ચા કરી છે.
બીજી વાતએ છે કે આજે ગામડાઓ આર્થિક રીતે સમૃદ્ધ થઇ રહ્યા છે. પરંતુ શારીરિક શ્રમ ઘટવાના કારણે અને માનસિક તાણ વધવાના કારણે એકંદરે લોકોનું સ્વાસ્થ્ય બગડતું હોય એવો અનુભવ થાય છે. સાથે સાથે વિદેશી સંસ્કૃતિનું આક્રમણ પણ આપડા પર થઇ રહ્યું છે. જન્મ દિવસ ની ઉજવણી થી માંડી ને વિભિન્ન પ્રસંગોમાં પશ્ચિમનું અનુકરણ મુલ્યોનો હ્રાસ થઇ રહ્યો છે. પરિવાર તૂટી રહ્યા છે. આ બધીજ સમસ્યાઓની જે કઈ ચર્ચાઓ આજે થઇ છે તેને લઇ ને પોતાની ગ્રામ સ્તર પર એક રચના બનાવી જોઈએ. આજાદીનો અમૃત મહોત્સવ ભૂતકાળમાં થયેલ ભૂલોને સુધારવાનો સમય છે. એક માનસિક ગુલામીમાં થી બાહર નીકળવાનું છે. સરકાર પણ આ દિશામાં પ્રયત્ન કરી રહી છે.
અયોધ્યામાં રામ મંદિર બની જાય એ પુરતું નથી, પ્રત્યેક ગામ, પ્રત્યેક વ્યક્તિ રામ વિચારમય બનવું જોઈએ. અને ત્યારે રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થાય છે. આહિયા થી ગયા પછી આપણા ગામના સ્તર પર આજે થયેલ ચર્ચા અનુસાર કામ કરવા માટે આપણે સંકલ્પબધ થઈએ એવી અપેક્ષા છે.
સમગ્ર સંમેલનમાં વિવિધ ગામો દ્રારા પોતાના ગામમાં કરેલા વિશેષ પ્રકારની ખેતી, સમરસતા, સેવા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગાય આધારિત ખેતી, ગ્રામ વિકાસ જેવા કરેલ કામોમાં મળેલી સિદ્ધિઓની પણ બધાને જાણકારી આપી. અલગ અલગ ગામોમાંથી આવેલ સજ્જન શક્તિ દ્રારા પોતાના ગામમાં ગ્રામ વિકાસ માટે કયા સારા પ્રયોગો કરી શકાય તેવી માહિતીનું સુંદર આદાન પ્રદાન કરેલું.
કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટ્રીશ્રી ભરતસિંહ દ્રારા કરીને સહયોગી થયેલ સર્વેનો આભાર માની સંમેલનનું સમાપન કરવામાં આવ્યું.