પ્રસ્તાવ – શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી

22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂજ્ય સંતો અને મહાપુરુષોના માર્ગદર્શન હેઠળની રાષ્ટ્રવ્યાપી ચળવળ અને સમાજના વિવિધ ઘટકોના સામૂહિક સંકલ્પના પરિણામે સંઘર્ષના લાંબા અધ્યાયનું સુખદ નિરાકરણ થયું. આ પવિત્ર દિવસને સાક્ષાત જીવનમાં જોવાની શુભ તક પાછળ સમગ્ર આંદોલનરત હિંદુ સમાજ સહિત સંશોધકો, પુરાતત્વવિદો, ચિંતકો, ન્યાયશાસ્ત્રીઓ, મીડિયા, બલિદાન આપનાર કાર સેવકો અને સરકાર-પ્રશાસનનું મહત્વનું યોગદાન ખાસ નોંધનીય છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ સંઘર્ષમાં પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને ઉપરોક્ત તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. 

શ્રી રામ મંદિરમાં ખાતે અભિમંત્રિત અક્ષત વિતરણ અભિયાનમાં સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી હતી. લાખો રામ ભક્તોએ તમામ શહેરો અને મોટાભાગના ગામડાઓમાં કરોડો પરિવારોનો સંપર્ક કર્યો. 22 જાન્યુઆરી 2024 ના રોજ, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અદભુત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શેરી અને ગામડાઓમાં સ્વયંભૂ શોભાયાત્રાઓ, દરેક ઘરમાં દીપોત્સવનું આયોજન, ભગવા ધ્વજ લહેરાવવા અને મંદિરો અને ધાર્મિક સ્થળોએ આયોજિત સંકીર્તન વગેરેએ સમાજમાં નવી ઉર્જાનો સંચાર કર્યો. 

શ્રી અયોધ્યાધામમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશના ધાર્મિક, રાજકીય અને સામાજિક જીવનના દરેક ક્ષેત્રના ટોચના નેતૃત્વ અને તમામ ધર્મો અને સંપ્રદાયોના પૂજ્ય સંતોની ગૌરવપૂર્ણ હાજરી હતી. આ દર્શાવે છે કે શ્રી રામના આદર્શો અનુસાર સમરસ અને સુગઠિત રાષ્ટ્રીય જીવનનું નિર્માણ કરવા માટે વાતાવરણ ઊભું થઇ ગયું છે. આ ભારતના પુનરુત્થાનના ભવ્ય અધ્યાયની શરૂઆતનો પણ સંકેત આપે છે. શ્રી રામના જન્મસ્થળ પર રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે, સમાજ વિદેશી શાસન અને સંઘર્ષના સમયગાળા દરમિયાન આવેલા આત્મવિશ્વાસના અભાવમાંથી અને આત્મવિસ્મૃતિના બહાર આવી રહ્યો છે. સંપૂર્ણ સમાજ હિંદુત્વની ભાવનાથી રંગાઈ, પોતાના “સ્વ” ને જાણવા અને તેના આધારે જીવવા માટે તૈયાર થઈ રહ્યો છે. 

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને સામાજિક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહીને સમાજ અને રાષ્ટ્ર માટે બલિદાન આપવાની પ્રેરણા આપે છે. તેમની શાસન પ્રણાલી વિશ્વ ઈતિહાસમાં “રામરાજ્ય”ના નામથી પ્રસિદ્ધ થઈ, જેના આદર્શો સાર્વત્રિક અને શાશ્વત છે. જીવનમૂલ્યોનું અધઃપતન, માનવીય સંવેદનામાં ઘટાડો, વિસ્તરણવાદને કારણે વધતી હિંસા અને ક્રૂરતા વગેરે પડકારોનો સામનો કરવા માટે રામ રાજ્યની સંકલ્પના આજે પણ સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે. 

આ પ્રતિનિધિ સભાનો સુવિચારિત અભિપ્રાય છે કે સમગ્ર સમાજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શોને પોતાના જીવનમાં સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જેના કારણે રામમંદિરના પુનર્નિર્માણનો ઉદ્દેશ્ય સાર્થક થશે. આજે સમાજમાં શ્રી રામના જીવનમાં પ્રતિબિંબિત ત્યાગ, પ્રેમ, ન્યાય, શોર્ય, સદભાવ અને નિષ્પક્ષતા વગેરે જેવા ગુણો ધર્મના શાશ્વત મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. તમામ પ્રકારના પરસ્પર વૈમનસ્ય અને મતભેદો સમાપ્ત કરી અને સમરસતાયુક્ત પુરુષાર્થી સમાજનું નિર્માણ કરવું એજ શ્રી રામની વાસ્તવિક ઉપાસના થશે.  અ.ભા.પ્ર.સભા સમસ્ત ભારતીયોને બંધુત્વ ભાવ યુક્ત, કર્તવ્યનિષ્ઠ, મુલ્ય આધારિત, સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવાવાળા સમર્થ ભારતના નિર્માણનું આહ્વાન કરે છે. જેના આધારે ભારત સર્વકલ્યાણકારી વૈશ્વિક વ્યવસ્થા નિર્માણ કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકશે.

Saptrang ShortFest - All Info