14.09.2022
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતનું બીજ વક્તવ્ય થયું.
ભારતીય વિચાર મંચની એપ્લિકેશન અને પુસ્તકોનું લોકાર્પણ થયું.
અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતુ.
આ પ્રસંગે બીજ વકતવ્ય આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ‘સ્વાધીનતા’ અને ‘સ્વતંત્રતા’નું તાર્કિક વિશ્લેષણ કરતા જણાવ્યુ હતુ કે એક પ્રાચીન બૌધ્ધિક પરંપરાનો આપણે સહુ હિસ્સો છીએ. દરેકનો વિકાસ તેની પ્રકૃતિ અને તેના ‘સ્વ’ ના વર્તુળમા થાય છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આપણને સ્વાધીનતા મળી પણ આપણે ‘સ્વ’ ને સમજવામા કદાચ મોડા પડ્યા. દેશના બે ભૂભાગ સ્વતંત્ર થયા પણ ધીરે ધીરે ‘સ્વ’ ને સમજવાની પ્રક્રિયા શરૂ થઈ. ડૉ. આંબેડકરે પણ કહ્યુ હતુ કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક સ્વાધીનતા અનિવાર્ય રહશે.
આપણે ભારતીય છીએ, આપણે ધ્યાનમા રાખવા જેવી ‘સ્વ’ ની વિશેષતાઓ શુ છે? સુખ બહારથી જ નથી મળતું. પશ્ચિમના દેશોએ ભૌતિક સુખની મર્યાદાને બહાર સુધી મર્યાદીત કરી દીધી. પરંતુ આપણા મનિષીઓએ તેને અંદર શોધી. બહારના સુખની મર્યાદા છે. આત્માના સુખની નહી. આદ્યાત્મ એ આપણા ‘સ્વ’ મૂળનો આધાર છે આપણે સર્વેત્ર સુખિનઃ ભવતુ, સર્વે સંતુ નિરામયામાં માનનારી પ્રજા છીએ.
યુદ્ધો કયારેય ફળતા નથી કારણ કે તેના માઠા ફળ ભોગવવા જ પડે છે. મહાભારતના મહાપુરુષો તેના ઉદાહરણો છે. દેશકાળને ધ્યાનમાં રાખીને આપણી જાહેર વ્યવસ્થાઓ, વહીવટમા ભારતીય મૂલ્યો અને ચિંતનને અમલીકૃત કરીએ તો યુગાનુકુલ પરીવર્તન આવશે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે વિશ્વમા બધાને જ મળી રહે એટલા પુરતા સંસાધનો છે પરંતુ માણસના લોભનો થોભ નથી અને તેના જ દુષ્પરિણામો આપણે ભોગવવા પડે છે તેમ ડૉ. ભાગવતે જણાવ્યું હતુ.
આજે આપણે ટેક્નોલોજીના સમયમા જીવી રહ્યા છીએ ત્યારે તન અને મનની નિર્મળતા જ અંતર્બાહ્ય સુખ આપી શકશે. ધર્મ આપણને પ્રેમ, કરુણા, સત્ય અને તપસ્યાના પાઠ શિખવે છે. કશુ પણ પ્રાપ્ત કરવા તપસ્યા કરવી પડે છે. આપણે ક્યારેય જ્ઞાનને દેશી કે વિદેશી એવુ કહ્યુ નથી. “આ નો ભદ્રા ક્રત્વો યન્તું વિશ્વત:” આપણો મંત્ર છે સર્વે દિશાઓમાથી આવતા સારા વિચારોને આપણે અપનાવીએ છીએ. જે દેશો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છે.
ભારતીય જ્ઞાન પરંપરાના મનીષીઓના ઉદાહરણો આપતા ડૉ. ભાગવતે જણાવ્યુ હતુ કે જ્યારે કોઈપણ દેશ જ્ઞાનની બાબતમા દિગ્ભ્રમીત થયા છે ત્યારે તેઓ એ ભારતના દર્શન તરફ મીટ માંડી છે. આપણા પ્રાચીન જ્ઞાનગ્રંથો અને સ્મૃતિઓ ચીરકાલિન છે. આજે પણ વિશ્વ ભારતના જ્ઞાન તરફ નજર માંડી રહ્યું છે એટલે જ આપણે ‘સ્વ’ ને ઓળખીને તેના આધારે આગળ વધવુ પડશે. આપણી ન્યાયપ્રક્રિયામા તેના આધારે જ પરીવર્તન કરવા અગ્રણી ન્યાયાધીશોએ અનુરોધ પણ કર્યો છે.
અંતમાં ડૉ. ભાગવતે કહ્યુ હતુ કે સિધ્ધાંતો ક્યારેય બદલાતા નથી ‘કોડ’ બદલાઈ શકે છે. આપણે પણ સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, રવિન્દ્રનાથ ઠાકુર સહિતના મનીષીઓના ગ્રંથોનો અભ્યાસ કરી તેના થકી ધર્મવૃધ્ધિ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સરકારી વ્યવસ્થામા પણ હવે આના કારણે પરીવર્તન આવી રહ્યુ છે. નવા વિચારો, આયામોને સ્થાન મળી રહ્યુ છે જે આવકાર્ય છે. આ પ્રસંગે ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની નવી એપ્લિકેશન અને નવા પ્રસિધ્ધ થયેલા પુસ્તકોનું લોકાર્પણ કર્યુ હતુ.
આ વિમર્શના અન્ય સત્રોમાં રાજ્યસભા સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી, રામજન્મભૂમિ મંદિર તિર્થક્ષેત્રના કોષાધ્યક્ષ પૂ. ગોવિંદદેવ ગિરિજી મહારાજ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના ઉપાધ્યક્ષ સુશ્રી નિવેદિતા ભીડે તથા પુનરુત્થાન વિદ્યાપીઠના કુલગુરુ સુશ્રી ઈન્દુમતિ કાટદરે એ વિષયાનુરુપ ઉદ્બોધનો કર્યા હતા. આ વિમર્શમાં સમગ્ર રાજ્યમાથી ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓ, પ્રબુધ્ધજનો જોડાયા હતા. પ્રારંભે ભારતીય વિચાર મંચના પ્રાંત અધ્યક્ષ શ્રી અવધૂત સુમંત, કાર્યકારી અધ્યક્ષ શ્રી સુનિલભાઈ શાહ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રાંત મંત્રી શ્રી ઈશાનભાઈ જોશીએ કર્યુ હતું.