24-12-2023
મહિલાઓની જ નહિ પુરુષની કેળવણી કરવાની આજના સમયની માંગ છે – ગીતાબેન ગુંડે
ડૉ. હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત “નારાયણી સંગમ”- મહિલા સંમેલન નું આયોજન આજે શ્રી શક્તિ કન્વેશન સેન્ટર એસ.જી. હાઇવે ખાતે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પુનરુઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નૃત્યગુરુ સ્મિતા શાસ્ત્રીની વિધાર્થીનીઓ દ્બારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી.
શ્રી શક્તિ કન્વેશન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ, સ્ત્રી રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ –ઊઝાં ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલજાતાઈ અંધારેની પ્રેરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર આજે વિચાર – ચિંતન કરવામાં આવ્યો.
શ્રી ઈન્દુમતી તાઈએ આજના સમયે બાળ ઉછેરમાં મહીલાઓના ઘટતા યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આજની મહિલા કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરે તે ઉત્તમ છે પણ તે સાથે બાળકની સાચી કેળવણી કરવામાં સંસ્કાર કેન્દ્ર અને નર્સરી શાળાના ભરોસે જે રીતે છોડી રહ્યા છે તે આવનાર સમયમાં એક મોટો પડકાર છે.
કોર્પોરટ જગત થી લઈને શાળાઓમાં શરુ થયેલા નવા સમાન ડ્રેસ કોડને કારણે સમાજમાં જાતિમાં ભેદભાવ દુર કરવામાં ફક્ત પેન્ટ -શર્ટ શા માટે પહેરાવામાં આવે છે? કેમ પુરુષો મહિલાના કપડા નથી પહેરતાં? પુરુષ સમોવડી થવામાં તે પોતાનું સ્ત્રીત્વ ધીમે ધીમે ગુમાવી રહી છે.
ગીતાબેને આજના સમયે મહિલાઓની જ નહિ પુરુષની કેળવણી કરવાની આજના સમયની માંગ પર ભાર મુક્યો હતો. લગ્નબાદ અને બાળક બાદ મહિલાઓએ કરિયર અને પરિવાર વચ્ચે પસંદગી કરવી પડે તેવું “ના” બને તે જરૂરી છે. લગ્ન બાદ નવા પરિવારના સૌ સભ્યોએ ઘરની સ્ત્રીને તેની તમામ જવાબદારી સાથે કરિયર અને બાળકના લાલન પાલનમાં મદદરૂપ થવું જોઈએ. એક માં પોતાની દીકરી માટે કરે તેજ પોતાની વહુ માટે કરે તે સમાજમાં મહિલાઓના સંઘર્ષમાં આંશિક રાહત રહેશે.
સમાપન સત્રમાં ડૉ.માયાબેન કોડાનાનીએ મહીલાઓના સ્વાસ્થ્ય સંબધી પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માહિતગાર કર્યા હતા.