કરોડો ભારતીયોને દેશભકિતની પ્રેરણા આપનાર આપણું રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ હવે ગુજરાતીમાં પણ સાંભળી શકાશે. વડોદરાના ચાર યુવાનોએ વંદેમાતરમનું ગુજરાતી વર્ઝન કમ્પોઝ કરી તેને યુ ટયુબ પર લોન્ચ કર્યું છે. સંસ્કૃતમાં લખાયેલા વંદેમાતરમ ગીતને વધારે પ્રચલિત કરવા માટે વડોદરાના સમ્નવય પ્રતિષ્ઠાનના ઉપક્રમે ચાર યુવાનોએ તેને ગુજરાતીમાં કમ્પોઝ કરીને યુ ટયુબ પર લોન્ચ પણ કરી દીધુ છે.વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિકના અધ્યાપક ચિરાયુ પંડિત, યુનિવર્સિટીના સેનેટ સભ્ય જયદીપ બહેરે અને સંગીત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નિખીલ પાલકરે અને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના રેડિયો ઇન્ચાર્જ જગદીશ મિસ્ત્રીએ રાષ્ટ્રીય ગીત વંદેમાતરમને ગુજરાતીમાં તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વંદેમાતરમની છ કડીઓનું ગુજરાતીમાં ભાષાંતર અધ્યાપક ચિરાયુ પંડિતે કર્યું છે. આ ગીતને સુંદર કંઠમાં જયદીપ બહેરેએ ગાયું છે. તો મધુર સંગીત ભૂતપૂર્વ વિદ્યાર્થી નિખીલ પાલકરે આપ્યું છે. રેકોર્ડિંગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના રેડિયો ઇન્ચાર્જ જગદીશ મિસ્ત્રીએ કર્યું છે. વંદેમાતરમનુ ગુજરાતી વર્ઝન તૈયાર કરનાર ટીમે કહ્યુ કે, ભારતની ૧૯ ભાષાઓમાં તેનો અનુવાદ થઈ ચૂકયો છે.જેના કારણે અમને તેનુ ગુજરાતી વર્ઝન તૈયાર કરવાની પ્રેરણા મળી હતી.
આ ચારેય યુવાનોએ વંદેમાતરમનુ ગુજરાતી વર્ઝન મીલીંદ સબનીસને અર્પણ કર્યુ છે.મીલીંદ સબનીસે વંદેમાતરમ ગીતનુ ભારતની તમામ ભાષાઓમાં ભાષાંતર કરવાની ઝુંબેશ ઉપાડી છે. તેઓ તેના પરનો એન્સાઈક્લોપીડીયા પણ તૈયારી રહ્યા છે. જે ૧૬ ડીસેમ્બરે રીલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે, બંકીમચંદ્ર ચેટરજીની નવલકથા આનંદમઠમાં પહેલી વાર આ ગીત પ્રકાશિત થયું હતું. સંસ્કૃત મિશ્રિત બંગાળી ભાષામાં લખાયેલું આ ગીત દરેક ભારતીયના જીવન સાથે જાણે વણાઇ ગયું હતુ. જો કે, સરકારી કાર્યક્રમોમાં પહેલી બે કડીઓ સાથે ગવાતા ગીતને સને 1950માં સત્તાવાર રીતે રાષ્ટ્રીય ગીતનું સ્ટેટ અપાયું હતુ. વંદેમાતરમની રચના 7 નવેમ્બર 1875ના દિવસે થઈ હતી. આ દિવસને ઘણા દેશભક્તો વંદેમાતરમ જયંતિ તરીકે પણ મનાવે છે.આ દિવસે બંકીમચંદ્ર ચેટરજીએ આ ગીતની રચના કરી હતી.