12.02.2023
આજ રોજ તારીખ ૧૨ / ૦૨ / ૨૦૨૩ રવિવારને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ઉત્તર ગુજરાત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, મહેસાણા દ્વારા ઉત્તર ગુજરાત ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવેલુ.
આ સંમેલનનો ઉદ્દેશ સમાજની સજ્જન શક્તિઓ સમાજના ઉત્થાનના કાર્યમાં જોડાય તેમજ ગામ સ્વાવલંબી બને. સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિજ્ઞાનના સમન્વય દ્વારા સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ગામ પોતે શક્તિશાળી બને અને સાથે-સાથે સમવૈચારીક શક્તિઓ પણ આ રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યમાં જોડાય. જેમાં માતૃશક્તિ, યુવા શક્તિ, સેવાભાવી સંગઠનો, ધાર્મિક સમૂહ તથા વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી એમને જોડીને વસુધૈવ કુંટુંબકમના પવિત્ર ધ્યેયને ચરિતાર્થ કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના કુલ ૯૨૫ ગામના વિકાસની સમિતિઓ ઉપસ્થિત રહેલ છે. જેમાં ૩૭૦૩ લોકો ઉપસ્થિત રહેલ. આ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી યુનિવર્સિટી વગેરે જેવી સંશોધન ક્ષેત્રે સંકળાયેલ મહાવિધાલયો પણ પોતાના નિષ્ણાંત અને તજજ્ઞો દ્વારા પોતાના પ્રદર્શન સ્ટોલ બનાવેલ તેમજ વિવિધ સંસ્થાઓ દ્રારા પોતાના કાર્યોને લઈ પ્રદર્શન સ્ટોલ બનાવીને આધુનિક પદ્ધતિઓનું પ્રદર્શન યોજેલ.
ઉદ્ઘાટન સત્રમાં શ્રી અવધ કિશોરદાસજી મહારાજ ૧૦૦૮ મહામંડેલેશ્વરજી તપોવન આશ્રમ મોઢેરા ઉપસ્થિત રહીને સર્વેને આશીર્વચન આપવામાં આવેલ.
કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત પ્રચારક, શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાયએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સમાજમાં આપણે વિવિધ વિષયોની ચિંતા કરતા રહીએ છીએ પરંતુ એક પૂર્ણ દિવસ આપણો કેવળ ગામ ચિંતન માટે નીકળ્યો એ આપણે આ વર્ષ માટે ખુબ જ મહત્વનો સમય ગણવો જોઈએ અને એના માટે આ ગામ સંમેલન નિમિત છે.
વર્ષ ૧૯૮૫, ૮૬, ૮૭ ના દુષ્કાળના સમયમાં લોકસેવા, ગોસેવા એના માટે જે કઈ મથામણ થઇ તે સમય લોકસેવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની સ્થાપના થઇ હતી. એને આ સંસ્થા ને સંસ્થાકીય સ્વરૂપ આપીને આ ડૉ. હેડગેવારના જન્મશતાબ્દી વર્ષ નિમિતે એક રજીસ્ટરડ સંસ્થા બની. આ સંસ્થા વર્ષોથી લોકજાગરણ, લોક સેવાના અનેક કામો વર્ષોથી કરી રહી છે અને આપણા સવના સહયોગથી આગળ પણ કરતી રહેશે. ભારત હજારો વર્ષોથી પ્રાચીન અને સનાતન રાષ્ટ્ર છે, હજારો વર્ષ થે એક સુવ્યવસ્થિત સમાજ રચના આપણા ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. વિશ્વનું પ્રાચિનતમ સાહિત્ય વેદ, પ્રાચિનતમ મહાકાવ્ય મહાભારત અને રામાયણ આપણા પૂર્વજોની જીવન કથા છે.
જયારે આપણે ગ્રામ ચિંતન કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે આપણે આપણા ઈતિહાસનું ચિંતન કરવું અપેક્ષિત છે. આપણા ત્યાં ૬૦થી વધારે યુનિવર્સીટી એવી હતી જ્યાં દુનિયાના એનેક ભાગોથી લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા. છેલ્લા ૨૫૦૦ વર્ષમાં અનેક વિદેશી શક્તિઓએ અહિયાં આક્રમણ કર્યા પણ આપણી પ્રજા સતત સંઘર્ષ કરતી રહી. જો જાગૃત સમાજ જીવન હોય તો કોઈ પણ પ્રકારના આક્રમણ સામે પણ જીવિત રહી શકે એવું વિશ્વના અન્ય દેશકે સભ્યતામાં નથી બન્યું અનેક આક્રમણો સામે પણ આપણો સમાજ અડગ ટકી રહ્યો છે. જે આપણી સંસ્કૃતિના સમાજ જીવનની વિશેષતા છે.
સમગ્ર સંમેલનમાં વિવિધ ગામો દ્રારા પોતાના ગામમાં કરેલા વિશેષ પ્રકારની ખેતી, સમરસતા, સેવા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગાય આધારિત ખેતી, ગ્રામ વિકાસ જેવા કરેલ કામોમાં મળેલી સિદ્ધિઓની પણ બધાને જાણકારી આપી. અલગ અલગ ગામોમાંથી આવેલ સજ્જન શક્તિ દ્રારા પોતાના ગામમાં ગ્રામ વિકાસ માટે કયા સારા પ્રયોગો કરી શકાય તેવી માહિતીનું સુંદર આદાન -પ્રદાન કરેલું.
કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટ્રીશ્રી ભરતસિંહ દ્રારા કરીને સહયોગી થયેલ સર્વેનો આભાર માની સંમેલનનું સમાપન કરવામાં આવ્યું.