મહિલાઓએ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ તેથી સંઘ પ્રેરિત સંસ્થાઓ તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી, આ માહિતી શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યએ આપી હતી.
આદરણીય સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતના વક્તવ્ય સાથે પુણેમાં આજે ત્રણ દિવસીય સમન્વય બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં વિવિધ 36 સંસ્થાઓના કુલ 246 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદમાં સહ સરકાર્યવાહજીએ માહિતી આપી હતી. અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી આંબેકર પણ હાજર હતા.
ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે ભારતીય ચિંતનમાં કુટુંબ સૌથી નાનું એકમ છે. પરિવારમાં મહિલાઓની ભૂમિકા સૌથી મોટી હોય છે. તેથી સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓએ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. સમાજમાં મહિલાઓની સક્રિયતા વધી રહી છે, જે પ્રશંસનીય છે, આ સંદર્ભમાં બેઠકમાં સંઘની શતાબ્દી યોજના હેઠળ મહિલાઓની વધતી ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓ વચ્ચે પરસ્પર સંપર્ક વધે તે હેતુથી દેશભરમાં 411 સંમેલનોનું આયોજન કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં 12 પ્રાંતોમાં આવી 73 સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં 1 લાખ 23 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે, સંઘ કાર્ય શરૂ થયાને 97 વર્ષ થઈ ગયા છે. આ યાત્રામાં ચાર પડાવ છે, સંગઠન, વિસ્તરણ, સંપર્ક અને ગતિવિધિ એ ત્રણ તબક્કા હતા. 2006 માં શ્રી ગુરુજીની જન્મશતાબ્દી પછી, ચોથો તબક્કો શરૂ થયો, જેમાં એ અપેક્ષા છે કે રાષ્ટ્રની પ્રગતિ માટે દરેક સ્વયંસેવક કંઈક કાર્ય કરવાનું પ્રણ લે.
બેઠકમાં ચર્ચા થયેલા અન્ય વિષયો અંગે તેમણે જણાવ્યું કે, સમાજમાં સજ્જન શક્તિને સંગઠિત કરવા તથા તેને સામાજિક કાર્યોમાં સક્રિય કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સનાતન સંસ્કૃતિ વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તર આપતા તેમણે કહ્યું કે સનાતન ધર્મનો અર્થ રિલિજિયન નથી. સનાતન સભ્યતા એ આધ્યાત્મિક લોકશાહી (સ્પિરિચ્યુઅલ ડેમોક્રસી) છે. સનાતન વિશે નિવેદન કરનારાઓએ સૌપ્રથમ આ શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ.
ઈન્ડિયા અને ભારત નામ અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું કે દેશનું નામ ભારત છે, તે ભારત જ રહેવું જોઈએ. હકીકતમાં, પ્રાચીન સમયથી આ જ નામ પ્રચલિત છે. ભારત નામ એ સંસ્કૃતિનું મૂળ છે.
સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોની બેઠક વર્ષમાં એક વખત આયોજિત કરવામાં આવે છે. આ સમન્વય બેઠકમાં ભાગ લેનારા સંગઠનો તેમના કાર્ય અને અનુભવોની સાથે સાથે આગામી કાર્યક્રમો વગેરેની માહિતીનું આદાન-પ્રદાન કરે છે.
સંઘ કાર્યનો વિસ્તાર
ડૉ. મનમોહનજીએ કહ્યું કે સંઘના કાર્ય માટે દેશભરમાંથી વધારે પ્રતિસાદ મળી રહ્યો છે. સંઘની શાખાઓની સંખ્યા સતત વધી રહી છે કોરોના પહેલા શાખાઓની જેટલી સંખ્યા હતી તેનાથી વધુ થઈ ગઈ છે. વર્ષ 2020માં દેશમાં 38 હજાર 913 સ્થાનો પર શાખાઓ હતી, આ સંખ્યા વર્ષ 2023માં વધીને 42 હજાર 613 થઈ છે, એટલે કે 9.5 ટકાનો વધારો થયો છે. સંઘની દૈનિક શાખાઓની સંખ્યા 62 હજાર 491 થી વધીને 68 હજાર 651 થઈ છે. દેશમાં સંઘની કુલ 68 હજાર 651 દૈનિક શાખાઓ છે, તેમાં 60 ટકા વિદ્યાર્થી શાખાઓ છે, 30 ટકા શાખાઓ ચાલીસ વર્ષ સુધીના સ્વયંસેવકોની છે, જ્યારે 10 ટકા શાખાઓ ચાલીસ વર્ષથી વધુ વયના સ્વયંસેવકોની છે. સંઘની અધિકૃત વેબસાઈટ પર દર વર્ષે 1 થી 1.25 લાખ નવા લોકો RSS સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે જેમાં મોટા ભાગના 20 થી 35 વર્ષ સુધીની વયના છે.