સમાજમાં સજ્જન શક્તિ મોટા પ્રમાણમાં છે – ડૉ. જયંતિભાઈ ભાડેસીયા

ભારતીય સમાજમાં સામાન્ય રીતે સેવા કાર્ય એટલે પૂણ્ય કાર્ય, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્ય કરતી અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ છે. આવી જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જુદા જુદા સેવાકીય કાર્ય કરતી કેટલીક સંસ્થાઓ વચ્ચે એક સેતુ સર્જાય, સંવાદ ઉભો થઈ શકે, અનુભવોની આપ-લે થઈ શકે એવો એક કાર્યક્રમ સેવા સેતુ થી નામ થી કર્ણાવતી મહાનગર સ્થિત એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી કિડની હોસ્પિટલના મા શારદા લક્ષ્મી ઑડિટોરિયમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલક ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેશિયા, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડૉ.સુનિલભાઈ બોરિસા, કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ, કર્ણાવતી મહાનગર પૂર્વ વિભાગના માનનીય સંઘચાલક શ્રી ભરતભાઈ શાહ, સેવા નિવૃત ન્યાયાધીશ અને ધર્મ જાગરણ સમન્વયના પ્રાંત સહસંયોજક શ્રી નરેશભાઈ શાહ, કિડની હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શ્રી વિનિતભાઈ મિશ્રા, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. શ્રી રાકેશભાઈ જોશી તથા કર્ણાવતી મહાનગર સહકાર્યવાહ શ્રી હાર્દિકભાઈ પરીખની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયો હતો.

આ અવસરે ડૉ. જયંતિભાઈ ભાડેસીયાએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સંવેદનાને ખુબ જ મહત્વ આપવામાં આવેલું છે, એક સામાન્ય ભારતીય અન્યના દુઃખથી દુઃખી થઇ જાય છે અને પોતે એ દુઃખ દૂર કરવાનો પ્રયાસ પ્રયાસ કરતો જોવા મળે છે, જેનું ગત વર્ષોમાં વૈશ્વિક મહામારીના કપરા કોરોના કાળમાં સમગ્ર વિશ્વે દર્શન કર્યું છે.

તેમણે ક્હ્યું કે ” સમાજમાં સજ્જન શક્તિ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેઓ એક્ત્રિત થઈ શકતા નથી જ્યારે દુર્જન શક્તિ અલ્પ પ્રમાણમાં હોવા છતાં તેઓ પોતાના કાર્ય માટે એક્ત્રિત થઈ જાય છે તેથી સજ્જન શક્તિ એક્ત્રિત થઈ શકે એ માટે કોઈ એક સેતુ નિર્માણ થવો જોઈએ તેથી આ ‘સેવા સેતુ’ છે.” ભારતીય સમાજમાં સેવા એ સ્વાભાવિક ભાવ છે એમાં પણ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દર્દીના રોગનું નિદાન થાય ત્યાંથી લઈને દર્દીની દવાઓ,  દર્દીનું કાઉન્સેલિંગ, સ્વાસ્થ્ય સેવા આપતા પરિસરની સારસંભાળ એવા અનેક પેટા ક્ષેત્ર છે જ્યાં સેવા કાર્ય થઈ રહ્યા છે અને આવશ્યક પણ છે. કેટલાંક સ્થાનો એવા છે જ્યાં ખુબ સેવા કાર્યો થતા હોય છે જ્યારે કેટલાંક સ્થાનો વંચિત રહી જતા હોય છે તેનું ધ્યાન કરવું જોઈએ. ભારતીય સમાજનું મન સેવા કાર્ય માટે કેવું છે એને માટે એક ઉદાહરણ આપતા ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેશિયાએ કહ્યું 90 ના દશકમાં ગુજરાતમાં દુષ્કાળ પડતા એ વખતે સરકારી રાહત કાર્ય ચાલતા ત્યારે એ રાહત કાર્યમાં કામ કરતા લોકો માટે પૌષ્ટિક આહાર આપવા કેટલાંક લોકો સુખડી આપવા જતા હતા ત્યારે એક સાવ ગરીબ બહેન આવતા દેખાયા સેવકોને એમ કે બેન સુખડી લેવા આવતા હશે એટલે તેમણે કહ્યું કે, આ સુખડી રાહત કાર્ય કરતા લોકો માટે છે ત્યારે પેલા ગરીબ બહેને કહ્યું કે, મારે સુખડી નથી લેવી પણ તમે જે કાર્ય કરો છો એમાં મારા તરફથી યોગદાન આપવું છે અને એ બેને પોતાની બચતના પૈસા આપ્યા. આમ સેવાકાર્ય કરતી વખતે કોઈને નાના કે નિમ્ન ન સમજતા કાર્ય કરવાની આવશ્યકતા છે.

સેવાકાર્ય માટે ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન દ્વારા છેલ્લા 20 વર્ષોથી ધનવંતરી યાત્રા ચાલે છે જેમાં ભારતભરના ડૉક્ટર્સ જાય છે તથા તાજેતરમાં જ કાશ્મીરમાં ૠષિ કશ્યપ યાત્રાનો પ્રારંભ થયો છે.  કેટલાંક સેવા કાર્ય એવા હોય છે જે સતત ચાલતા રહેતા હોય છે, ચલાવતા રહેવું પડે એવી આવશ્યકતા હોય છે જ્યારે કેટલાક સેવા કાર્ય આકસ્મિક હોય છે. સેવાકાર્યમાં પરિવારનું સમર્થન મળવું જોઈએ. સ્વાસ્થ્યને લગતા સેવાકાર્યોમાં સમાજે પણ  સહાય આપવાની જરૂર પડતી જ હોય છે તેથી સેવા કરનાર વચ્ચે સમન્વય હોવો જોઈએ, સેવા સેતુ હોવો જોઈએ. સેવા લેનાર પણ સેવા કરનાર બને એવું કરવું જોઈએ. ગોવિંદ કાત્રે સ્વયં રક્તપિત્તના દર્દી હતા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રી  ગુરુજીને પુછ્યું કે આના માટે શું કરવું જોઈએ, શ્રી ગુરુજીએ કહ્યું કે, પહેલા તમે એની સારવાર કેવી રીતે થાય છે એ જુઓ અને એવું કામ શરુ કરો. ગોવિંદ કાત્રેએ મિશનરી હોસ્પિટલમાં રક્તપિત્તની સારવાર કરાવી અને પછી પરિશ્રમ કરીને રક્તપિત્તની હોસ્પિટલ પણ બનાવી. આમ સેવા લેનાર સેવિત પોતે સેવા કરનાર સેવક બને. સેવાના કાર્યો દ્વારા લોકોની સંવેદના જાગવી જોઈએ. સંવેદનશીલ વિસ્તારોનું દર્શન નવી પેઢીને કરાવવું જોઈએ. અને પછી સૌથી વધુ અગત્યની વાત એ છે કે સેવાકાર્ય કરનારાઓનો આશય કેવો છે? સેવાના માધ્યમથી ધર્માંતરણ થતું હોય છે. વનવાસી વિસ્તારોમાં આ બાબત જોવા મળતી હોય છે. આપણી ધ્યાન રાખવું જોઈએ છે ધર્માંતરણ થી રાષ્ટ્રાંતરણ થતું હોય છે.“સેવા સેતુ” કાર્યક્રમમાં સિવિલની નજીકના વિસ્તારમાં સેવાકાર્ય કરતી 40 જેટલી સેવાકિય સંસ્થા ઉપસ્થિત રહેલ.  

Periodicals