6 ઓગસ્ટ, 2022 ના દિવસે હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક શ્રી જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા. RSS મેમનગર ભાગના માન. સંઘચાલક શ્રી ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના કર્ણાવતી મહાનગર, પશ્ચિમ વિભાગના માન. સંઘચાલક શ્રી હરેશભાઈ ઠક્કર દ્વારા પુસ્તક પરિચય અપાયો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જે. નંદકુમારજીના આ પુસ્તકનું વિમોચન આખા દેશમાં દરેક જીલ્લામાં એકસાથે થઇ રહ્યું છે. સ્વતંત્રતાના 75 વર્ષ સંપન્ન થવાના ઉપક્રમે RSS દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામને તેના તાત્વિક સ્વરૂપે સમાજ સમક્ષ મુકવાના પ્રયત્ન રૂપે આ પુસ્તકનું ઠેર ઠેર વિમોચન થઇ રહ્યું છે.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ પુસ્તક વિમોચન સાથે થયો. શ્રી હરેશભાઈ ઠક્કરે આ પુસ્તક વિષે પરિચય આપતા કહ્યું કે ભારતનો ઈતિહાસ પ્રમાણિક પ્રયત્નો દ્વારા તેના સાચા સ્વરૂપે લખવાની આવશ્યકતા છે. આપણા વર્તમાન ઈતિહાસને વાંચતા એવું લાગે છે કે ભારતનો સ્વતંત્રતા સંઘર્ષ બહુ ટૂંકો છે અને બહુ જુજ લોકોએ તેમાં ભાગ લીધો હતો. જયારે વાસ્તવિકતા એવી છે કે આપણો સંઘર્ષ એક હજાર થી પણ વધુ વર્ષનો રહ્યો છે અને તેમાં દેશના દરેકે દરેક ખૂણાઓથી સ્વાતંત્રવીરોએ ભાગ લીધો હતો. આ સ્વતંત્રતા સંગ્રામ માત્ર રાજકીય ચળવળ ન રહીને સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ભાષાકીય અને ક્ષેત્રીય, એમ સમાજના દરેકે દરેક આયામો ઉપર લડાયો હતો. આ પુસ્તકમાં મુખ્યત્વે એ બાબત ઉપર સ્પષ્ટતા આપવામાં આવી છે કે “સ્વરાજ”, “સ્વદેશી” વગરે શબ્દોમાં જે “સ્વ” ની ભાવના રહેલી છે એનો મૂળભૂત અર્થ સ્વાતંત્રસેનાનીઓ માટે શું હતો. આ સાથે પુસ્તકમાં એ વાત પણ પ્રસ્તુત કરવામાં આવી છે કે કઈ રીતે સ્વતંત્રતા પછી ડાબેરી વિચારધારા વાળા પ્રસાશન દ્વારા પ્રમાણિક ઇતિહાસકારોને હશીયામાં ધકેલી દઈને શિક્ષણમાં સત્યથી વિપરીત એવો એજન્ડા ચલાવવામાં આવ્યો. અંતે વર્તમાન પેઢી કઈ રીતે આ સ્વરાજ વાળા “સ્વ” થી વિસ્મૃત થઇ ગઈ છે, અને તેની સામેના કેવા કેવા પડકારો છે તેની વાત કરીને શ્રી હરેશ ભાઈએ તેને પાર પામવાના ઉપાયો વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી.
મુખ્ય અતિથી શ્રી ભૂષણભાઈ પુનાનીએ તેમના વક્તવ્યની શરૂઆતમાં તેમના માતાપિતા ભારતના ભાગલા વખતે કેવી વિકટ પરિસ્થિતિમાં સિંધ થી ભારત આવ્યા તેની હૃદયસ્પર્શી વાત કહી. આ ઘટના વખતે કેવા કેવા નરસંહાર થયા અને કઈ રીતે તેઓને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવ્યા હતા એ વિતક કથા કહી. ત્યારબાદ તેમણે પોતાના પૂર્વજો દ્વારા વેઠેલી હાલાકી ઉપરથી પ્રેરણા લઈને સદા અસહાય લોકોની સેવા કરવાનો સંકલ્પ કઈ રીતે લીધો તે જણાવ્યું. પોતાની અત્યંત જ્વલંત કારકિર્દી ત્યજીને કઈ રીતે તમેણે એક અંધજન મંડળ નામની નાનકડી સંસ્થામાં પદ સ્વીકારીને માનવતાના કાર્યને જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમના આ સેવાયજ્ઞના ફળ સ્વરૂપે કઈ રીતે આ સંસ્થાને આજે એશિયાની સૌથી શ્રેષ્ઠ અને સમૃદ્ધ સંસ્થા બનાવી તેની પણ વાત કહી. વક્તવ્યના અંતે શ્રી ભૂષણભાઈએ પોતાની સંસ્થાને મુક્તમને સહકાર આપવા માટે ગુજરાતની જનતાનો આભાર માન્યો.
કાર્યક્રમની પુર્ણાહુતી સ્વરૂપે સામુહિક રીતે વંદેમાતરમ ગીતનું તેના પૂર્ણ અને મૂળભૂત સ્વરૂપમાં ગાન થયું.