સ્વ.ચેતન ચૌહાણ વૈચારીક આંદોલનના ઉત્તમ નેતૃત્વ બનીને જીવ્યા – હરેશભાઈ ઠક્કર

સ્વ ચેતન ચૌહાણને શ્રધ્ધાંજલી :

ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા સ્વ. ચેતન ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલિ સભા કરવામાં આવી હતી. સ્વ ચેતન ચૌહાણને શ્રધ્ધાંજલી અર્પિત કરતા શ્રી હરેશભાઈ ઠક્કર ( પ્રાંત સંપર્ક પ્રમુખ, રા. સ્વ. સંઘ, ગુજરાત) કહ્યું કે – ચેતન ચૌહાણ નામ સાંભળતા જ ગાવસ્કર અને ચેતન ચૌહાણની જોડી યાદ આવી જાય. ક્રિકેટની દુનીયામાં ઓપનીંગ પેર તરીકે વિશ્વ વિખ્યાત રહયા. સાધારણ રીતે કોઈ ખેલાડી ખેલ જગતમાંથી સંન્યાસ લેતા હોય છે તો આજીવન ખેલાડી તરીકે યાદ રહેતા હોય છે પણ અહીંયા !
સફળ ખેલાડી તરીકે નિવૃત થયા પછી રાજકારણમાં સતત સફળતા હાંસલ કરવી ને એક દિવસ રાષ્ટ્રીય વિચારધારાના સાનિધ્યની તો એવી અસર કે કલા-ક્રીડા ક્ષેત્રમાં અખિલ ભારતીય અધ્યક્ષ બનવા સુધીની સફર ! સંઘની વિચારધારાના ઉંડા પ્રભાવનો પરિચય એમના વ્યવ્હાર, વર્તન અને સંવાદમાં કાર્યકર્તાઓને થવા લાગ્યો.

આજે ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી રમેશભાઈ ને એમના વિષે બોલતા સાંભળું છું તો કેટલો મોટો આદર્શ બની ગયા ! ક્ષેત્ર ભલે કલા-ક્રીડાનું રહયું પણ વૈચારીક આંદોલનના ઉત્તમ નેતૃત્વ બનીને જીવ્યા. ભગવદ ગીતામાં કહયું છે એમ –
“ यघदाचरति श्रेष्ठस्ततदेवेतरो जन:
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ”
મહાન પુરુષો એમના શ્રેષ્ઠ આચરણથી જે માર્ગ બનાવે છે, બીજાઓએ પણ એ માર્ગ પર ચાલવા માટે બાધ્ય થવું પડે છે, એમનું અનુશરણ કરવું પડે છે. હું સંપર્ક વિભાગના કામ સાથે પણ જોડાયેલો છું તો કહીશ કે સંઘમાં સંપર્કનો મુળ હેતુ જ વૈચારિક પરિવર્તનનો છે અને એ સફળ થાય તો કેવી સજજન શક્તિનો સમાજને શું લાભદાયી છે એનું ઉતમ ઉદાહરણ સ્વ. ચેતન ચૌહાણ હતા.

સમાજ અનેક આવી સજજન શક્તિથી ભરેલો છે પરંતુ એક સુભાષિતમાં કહેવાયું છે એમ “ योजकस्तत्र दुर्लभ “ એમ યોજકની કુશળતા પર બધું છે. અને એટલે જ આપણા સંપર્ક વિભાગમાં હંમેશા કહીએ છીએ એમ યોગ્ય વ્યક્તિની પ્રાપ્તિ પાછળ ચાર ચરણમાં પ્રયત્ન થવો જોઈએ. સંપર્ક-સહવાસ-સમર્થન-સહયોગ. સહયોગનું અંતિમ ચરણ એટલે વ્યક્તિનું આપણા વિચાર વિશ્વમાં સક્રીય થવું અને કોઈ ને કોઈ જવાબદારી સાથે દીર્ધકાલીન કામ કરવું. એ દ્રષ્ટિથી પણ સ્વ ચેતન ચૌહાણજી યોગ્ય ઉદાહરણરુપ જીવન હતા.

ચેતનજી આજે આપણી વચ્ચે નથી, ભલેને મારા જેવાને તો એમની સાથેનો કોઈ અનુભવ પણ નથી કે નથી એમના કાર્યશૈલીનો અનુભવ. પરંતુ આપણા સહચિંતક વૈચારિક સહયાત્રી તરીકે સ્વ ચેતન ચૌહાણજી આપણને હંમેશા યાદ રહેશે. દુનીયા ભલે એમને ક્રિકેટર તરીકે યાદ રાખે પણ આપણે તો એનાથી પણ વિશેષ અનુભવના લાભાર્થી છીએ. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે અને કુટુંબીજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે મારી શ્રધ્ધાંજલી પાઠવું છું ઓમ શાંતિ.  

Saptrang ShortFest - All Info