- હિન્દુ પરિવારની વ્યવસ્થાને સુદ્રઢ બનાવીએ તો જ શ્રેષ્ઠ, સમરસ, સ્વદેશીનો આગ્રહી, પર્યાવરણની રક્ષા માટે જાગ્રત, પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય પ્રતિ સભાન સમાજ નિર્માણ થશે – ડૉ અખિલેશભાઈ પાંડે
દિનાંક 01 જુન 2024 શનિવારે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ, લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલાં શ્રી બિપીનચંદ્ર રમેશભાઈ પટેલે જણાવ્યું કે, “નિસ્વાર્થ સેવા એ સંઘ ની ઓળખ છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને મહેનતનો કોઈ વિકલ્પ નથી.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ડૉ અખિલેશભાઈ પાંડેએ (પ્રાંત સહકાર્યવાહ ગુજરાત પ્રાંત, રા.સ્વ.સંઘ) તેમના ઉદબોધનમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના કાળથી જ શાખાઓમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો દ્વારા અનુશાસિત, ચારિત્ર્યવાન, સમર્પિત વ્યક્તિ નિર્માણ થકી સંગઠિત હિન્દુ સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે..
તેમણે જણાવ્યું કે વર્તમાનમાં ભારત સમગ્ર વિશ્વની આશાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે દેશનો પ્રત્યેક વ્યક્તિ વિચારે કે, હું હિન્દુ છું, ભારત હિન્દુ રાષ્ટ્ર છે, બધા ભારતીયો એક પરિવાર છે અને ભારતને વિશ્વગુરુ બનાવવો તે આપણું લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદજીનો ઉલ્લેખ કરી અખિલેશજીએ જણાવ્યું કે વિવેકાનંદજીએ કહ્યું છે કે જો કોઈ રાષ્ટ્રને મહાન બનાવું હોય તો એ રાષ્ટ્રના નાગરિકોને ચારિત્રવાન અને મહાન બનાવવા પડે.
ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવા માટે સમાજમનના વિચારોમાં પરિવર્તન લાવી સમાજના આધારભૂત એકમ એટલે હિન્દુ પરિવારની વ્યવસ્થાને સુદ્રઢ બનાવીએ તો જ શ્રેષ્ઠ, સમરસ, સ્વદેશીનો આગ્રહી, પર્યાવરણની રક્ષા માટે જાગ્રત, પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય પ્રતિ સભાન સમાજ નિર્માણ થશે.
ભૂતકાળમાં લોકોમાં ધાર્મિક ભાવનું જાગરણ કરી દેશ ભક્તિની ભાવના પ્રગટાવી સામાજિક કુરિતિઓને દૂર કરવા માટે પ્રયત્ન કરનાર એવા ડૉ.બાબાસાહેબ આંબેડકર, ભગવાન બિરસામુંડા અને ગોવિંદગુરુના સમાજ પરિવર્તનના પ્રયાસનો કર્યો હતો.
વર્તમાનમાં દેવી અહલ્યાબાઈ હોળકરના જન્મનું ત્રિ-શતાબ્દી વર્ષ ચાલી રહ્યો છે, ભારતીય મહિલાઓને તેમને આદર્શ માની તેમના ચીંધેલા માર્ગે ચાલવાનો અનુરોધ કર્યો અને સમાજ પરિવર્તનના સંઘના પ્રયાસમાં દેશ વિરોધી શક્તિઓને પરાસ્ત કરી પંચ પરિવર્તન જેમાં નાગરિક કર્તવ્યો, સમરસતા, સ્વદેશી. પર્યાવરણ અને પરિવાર પ્રબોધનનો સમાવેશ થાય છે તેના થકી ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સજ્જન શક્તિને આવાહન કર્યું હતું.
આ વર્ગમાં કુલ 313 શિક્ષાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 183 વિદ્યાર્થી અને 130 વ્યવસાયી સ્વયંસેવકો એ ભાગ લીધો હતો. જેમાં વકીલ, અધ્યાપક, શિક્ષક, વ્યાપારી, ઇજનેર, ડોકટર અને PHD સુધીના અભ્યાસ વાળા સ્વયંસેવકો આ વર્ગમાં ઉપસ્થિત રહ્યા.
15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તથા વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.
સાર્વજનિક સમારોપ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લામાંથી તેમજ અન્ય સ્થાનોમાંથી મોટી સંખ્યામાં ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.