Category Archives: News

12-05-2024

  • આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છે.
  • સ્વની અભિવ્યક્તિ કરવી, સ્વને સંરક્ષિત કરવું આ વિદ્યાભારતીનો વિચાર છે

વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતમાં સંપન્ન થયો. 

આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં શ્રી યશવંતભાઈ ચૌધરીએ કહ્યું, सा विद्या या विमुक्तये ના સૂત્ર લઈને ભારતીય મૂલ્યોના પુન:સ્થાપન માટે વિદ્યાભારતી 1952થી કાર્યરત છે. એક આધુનિક મોડેલ ઊભું કરવાનો આ પ્રયાસ છે. વિદ્યાભારતી માતૃભાષાનો આગ્રહ સ્વીકારે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાનો આગ્રહ રાખે છે. જોકે અંગ્રેજી શિક્ષિત વ્યક્તિઓ ભારતીય ચિંતન, વિચારથી અનભિજ્ઞ ન રહે તે માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેનો વિચાર કરીને આ પ્રયોગ થયો છે. ગાંધીજીએ પણ ભારતનું શિક્ષણ કેવું હોય તેનું ચિંતન કર્યું છે. આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છે.

સંઘ માને છે કે મૂલ્યોના બીજને સાચવી રાખવા આવશ્યક છે, એ બીજની જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે ઉપલબ્ધ થાય એને માટે પ્રયાસરત રહેવું પડે. પ્રવાહથી પતિત થઈને ન રહેવું પ્રવાહની સાથે રહેવું પરંતુ એમાં ડૂબીને નહીં. “સ્વ” ની અભિવ્યક્તિ કરવી, “સ્વને”સંરક્ષિત કરવું આ વિચાર વિદ્યા ભારતીનો છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, દરેક વસ્તુનું સોલ્યુશન જ્ઞાન જ છે. અંગ્રેજી એક વિષય છે બીજા ઘણા વિષયો છે જે સમજીશું તો ઘણા આગળ વધી શકાય તેથી અંગ્રેજીના પ્રભાવમાં ન આવવું જોઈએ. અમે જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત માટે વિશ્વમાં ગયા ત્યાં બધે ગુજરાતીમાં જ વાત કરી હતી. વિકાસ અને વિરાસત જળવાઈ રહેવી જોઈએ. સંસ્કૃતિ ઊભી હશે તો તે મજબૂત પાયા ઉપર ઇમારત ઊભી થઈ શકશે. વિદ્યાભારતીએ મણિપુરની અશાંત સ્થિતિ વખતે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. વિદ્યાભારતી શિક્ષણ તો આપે જ છે સાથે સાથે  ચારિત્ર્ય પણ આપે છે.

આ કાર્યક્રમનો આરંભ અતિથિઓના હસ્તે દીપપ્રાગટ્યથી થયો હતો. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણી, હેસ્ટર બાયો સાયન્સ લિમિટેડના સ્થાપક, સીઇઓ અને એમડી શ્રી રાજીવ ગાંધી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહપ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

06-05-2024

સામાજીક જવાબદારીના ભાગ સ્વરૂપે સંસ્કૃતભારતી કર્ણાવતી વિભાગ દ્વારા સામાન્ય ચૂટણીમાં મતદાન કરવા માટે સંસ્કૃતમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોએ મતદાન કરવાની પ્રતિજ્ઞા સંસ્કૃત ભાષામાં લઇ સૌને વિસ્મિત કરી દીધા હતા.

સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના જનપદ સંમેલનનું પ્રારંભ દીપ પ્રાગટ્ય થી થયું હતું. ત્યાર પછી સંસ્કૃત ભારતીના અમદાવાદ મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી એ મંચસ્થ  મહાનુભાવોનું પરિચય આપતા વાક્ય સુમનથી સમાગત અતિથિઓનું સ્વાગત કર્યું હતું. તત્પશ્ચાત્ તુલસી અને પુસ્તક દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું . તદ્દનંતર કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત  પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે.

તદનંતર કાર્યક્રમમાં મુખ્ય વક્તા, સંસ્કૃત ભારતીના ગુર્જર પ્રાંતના અધ્યક્ષ શ્રી કૃષ્ણપ્રસાદ નિરોલાજીએ કહ્યું હતું કે પ્રાચીન કાળમાં સમગ્ર દેશની જનભાષા સંસ્કૃત ભાષા હતી. કેવલ નગર વાસીઓ જ નહીં પણ વનવાસી જનો પણ શુદ્ધ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા હતા. આ વાતને પુષ્ટ કરતા તેમણે સીતાજીની શોધમાં રામને વનવાસી હનુમાનજીની શુદ્ધ સંસ્કૃતમાં સંવાદની પ્રશંસા કરતા શ્રીરામનું દ્રષ્ટાંત આપ્યું હતું .તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં એકમાત્ર સંસ્કૃત ભાષા જ અન્ય ભાષાના માધ્યમથી ભણાવવામાં આવે છે જે અનુચિત છે અને સંસ્કૃત ભાષામાં સંભાષણ કરવાનું સામર્થ પણ થતું નથી, માટે શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન થવું જોઈએ‌ તેમણે લોકોને સંસ્કૃતમાં સંભાષણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

તત્પશ્ચાત્  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુર્જર પ્રાંતના કાર્યકારિણી સદસ્ય શ્રી ભાનુભાઈ ચૌહાણે સભાને સંબોધતા માનનીય બાબાસાહેબ આંબેડકરજીના નિવેદનને સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ ઇચ્છતા હતા કે આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત ભાષા બને અને શિક્ષણમાં સંસ્કૃતને  પ્રધાનતા આપવામાં આવે. સંસ્કૃત એ સ્વ સાથે જોડાયેલી ભાષા છે અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે. તદનંતર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડોક્ટર અમીબેન ઉપાધ્યાયે સભાને સંબોધતા કહ્યું હતું કે આંબેડકર વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃત માધ્યમથી સંસ્કૃત ભણાવવામાં આવે છે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવા માટે અન્ય પ્રયોગો પણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતને સમજવા માટે સંસ્કૃત જાણવી અને સમજવી બહુ જ આવશ્યક છે. સંસ્કૃત આપણને આપણી સંસ્કૃતિથી જોડે છે.

આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃતમાં નૃત્ય,ગરબા ,ગીતો અને હાસ્યથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના અમદાવાદના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જન માનસમાં સંસ્કૃત પ્રત્યે જે ભ્રભ છે કે સંસ્કૃત ભાષા અઘરી છે તે દૂર કરવા માટે અને સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોની રુચિ વધે અને લોકો સંસ્કૃતમાં વાર્તાલાપ કરવા માટે સમર્થ બને તે હેતુથી આ સંસ્કૃત સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેન્દ્ર મહેતાએ કર્યું હતું અને શ્રી આશિષ દવે દ્વારા ધન્યવાદ  જ્ઞાપન કરવામાં આવ્યું હતું. આ રીતે ભગવાન જગન્નાથજીના પ્રસાદ સાથે આ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું.

07-04-2024 Vadodara

સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરીવર્તનના કામે લાગે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા.મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6 – 7 એપ્રિલ 2024ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી. આ પ્રસંગે મા.મોહનજી ભાગવતે આહવાહન કર્યું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરીવર્તનના કામે લાગે. સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય, સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઈએ.

               આ પ્રસંગે સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કળા, સાહિત્ય, લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરત પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ રહી અને પ્રતિભાગીઓએ પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિષે વિચાર-મંતવ્યો રજૂ કર્યા. ‘

                રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય મા. ભૈયાજી જોષીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ  અને પરંપરાના આપણે વાહક હોઈ, સમયાંતરે સમાજજીવનમાં આવતા દોષોના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે અધ્યાત્મિક, શિક્ષા, કળા, ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપણી પરંપરા રહી છે. સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે.

                મા. મોહનજી ભાગવતે ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરમાં પૂજા અર્ચના અને નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

20-03-2024 Karnavati

આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ‘શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ’ ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક મા. ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેસિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

ગ્રંથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું કે, શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ અને ઉત્સાહ સમગ્ર દેશમાં આજે પણ છે. રામ નામમાં જે ઉત્સાહ છે તે અમીટ છે. રાષ્ટ્રની અસ્મિતા, એકતાનું સ્વરૂપ છે શ્રીરામ. તેમણે કહ્યું છેલ્લા 30-40 વર્ષોમાં લોકોના વિચારોમાં બદલાવ આવ્યો છે. પહેલા સંઘર્ષ વિદેશી આક્રાંતાઓ સાથે હતો, પરંતુ 1947માં મળેલી સ્વાધિનતા બાદનો સંઘર્ષ દિગ્ભ્રમિત એવા પોતાના સ્વાર્થ, અજ્ઞાનને કારણે લખતા, બોલતા ભ્રમ ઉભો કરતા લોકો સાથે હતો. પરંતુ સત્ય જેમ જેમ હિંદુ સમાજની સમજમાં આવતું ગયું તેમ તેમ બધી ભ્રમણાઓ દૂર થઈ જેનું પરિણામ એ આવ્યું કે જ્યારે શ્રીરામ જન્મભુમિનો ચૂકાદો આવ્યો ત્યારે સમગ્ર ભારતના લોકોએ વધાવી લીધો.

શ્રીરામ જન્મભુમિ આંદોલનને યાદ કરતા શ્રી સુનિલજી આંબેકરે જણાવ્યું કે, શ્રીરામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ ઘરઘર અક્ષત નિમંત્રણ પહોચાડવાના કાર્યક્રમમાં 45 લાખથી વધુ કાર્યકર્તાઓ એના સિવાય લાખો લોકો સ્વયંભુ અક્ષત વિતરણમાં સહભાગી થયા. દેશના પ્રત્યેક ભાગમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ થયો અને 22મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ કોઈપણ ભેદભાવ વગર રામમય થઇ ગયો. વાસ્તવમાં અમે પહેલા દિવસથી જ કહેતા હતા કે ભગવાન શ્રીરામ ભારત કી એકતા કે સૂત્ર હૈ. પહેલા જે સંઘર્ષ થયા તે તો વિદેશી આક્રમણકારીઓ સાથે હતા. પરંતુ સ્વતંત્રતા પછીના સંઘર્ષ પોતાને બુદ્ધિજીવી ગણતા પોતાના સ્વાર્થ ખાતર અમે બીજી વિચારધારામાં માનીએ છીએ એવા હિંદુ સમાજના લોકો સાથે જ હતું. કેટલાક લોકોએ ભારતને ઉત્તર દક્ષિણ એમ ભાગ વચ્ચે વિસંવાદ ઉભો કરવાનો પ્રયાસ કરતા હતા. એવા સમયમાં શ્રીરામ જન્મભુમિ અંદોલને લોકોના માનસમાં પરિવર્તન કરી યુગપ્રવર્તકનું કાર્ય કર્યું છે.

એક ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ થયો કે વિશ્વ આગળ ચાલે છે અને ભારત પાછળ જઈ રહ્યું છે, ભારત વિજ્ઞાનવાદી કે અધ્યાત્મવાદી એવો ભ્રમ ઉભો કરવાની કોશિશ થઈ. પરંતુ ભારતે અધ્યાત્મ અને વિજ્ઞાન બંને ક્ષેત્રોમાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને ચંદ્રયાન દ્વારા આપણે સમજાવ્યું કે ભારત પોતાના વિકાસનો રસ્તો પોતાના મૂલ્ય, સંસ્કૃતિ વગેરેને સાથે રાખીને વિજ્ઞાનની સાથે કરી રહ્યુ છે.

આ પ્રસંગે બોલતા પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજીએ જણાવ્યું કે, ભગવાન શ્રીરામ ભારતીય સંસ્કૃતિનું મૂર્ત સ્વરૂપ છે. રામ મંદિર ભારતીય સાંસ્કૃતિક વૈશ્વિકતાનો પાયો છે.  રાજા પરાક્રમી હોવો જોઈએ, ઋષિઓએ પોતાના તપનું બળ અને સાથે સાથે ધર્મ આપ્યો અને રાજા અને પ્રજા ધર્મને અનુસરે તેનું ધ્યાન રાખ્યુ. ધર્મની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે, ધર્મ એટલે કર્તવ્ય અને ભારત ધર્મક્ષેત્ર છે. આવનારી પેઢીમાં કર્તવ્ય પરાયણતા પ્રસ્થાપિત કરીશું તો રામરાજ્ય આવશે.

કાર્યક્રમનો પ્રારંભ વૈદિક પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય સાથે થઈ. સાધના પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ શાહે સ્વાગત પ્રવચન અને ગ્રંથનો પરીચય કરાવ્યો. કાર્યક્રમનું સંચાલન સાધના સાપ્તાહિકના રાજ ભાસ્કરે કર્યું. કાર્યક્રમના અંતે સાધના પ્રકાશનના ટ્રસ્ટી શ્રી ભાનુભાઈ ચૌહાણે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યાના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

–     સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે- સંઘ

–     સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ

  • શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા.
  • વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે.
  • સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે.
  • ગુજરાતમાં 1588 દૈનિક શાખા, 1128 સાપ્તાહિક મિલન તથા 625 સંઘમંડળ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા.દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત  અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ ભારતીય પદાધિકારીઓની ઉપસ્થિતિ હતી. બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

બેઠકની શરૂઆત પ.પૂ.સરસંઘચાલક મા.મોહનજી ભાગવત દ્વારા ભારતમાતાને પુષ્પાંજલી અને  દિપ પ્રાગટ્ય થી થઈ. એ પછી સમાજજીવન ના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામને મૌન પાળી શ્રધ્ધાજંલી આપી હતી. જેમાં  ગુજરાતના સ્વ. શારદાબેન મહેતા (ટોરેન્ટ ગ્રુપ) ને પ્રતિનિધિ સભામાં શ્રધ્ધાંજલી અપર્ણ કરાઈ.

કાર્યની દૃષ્ટિએ સંઘના 45 પ્રાંત છે, ત્યારબાદ વિભાગો અને ત્યારબાદ જિલ્લા અને ખંડ છે.

વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4,466 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે. 

સાપ્તાહિક મિલનની સંખ્યા 27717 છે, જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે.

સંઘ મંડળીની સંખ્યા 10567 છે.

શહેરો અને મહાનગરોની 10 હજાર વસ્તીઓમાં 43000 શાખાઓ છે. 

મહિલા સંકલનના કાર્યમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય મહિલા કાર્યકરો દ્વારા 44 પ્રાંતોમાં 460 મહિલા સંમેલન યોજવામાં આવ્યા હતા, જેમાં 5 લાખ 61 હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. 

અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ 2024 થી એપ્રિલ 2025 સુધી ઉજવવામાં આવશે. અહલ્યાબાઈ હોલકરે દેશભરમાં ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાવ્યું અને નિરાધાર લોકોની આર્થિક આત્મનિર્ભરતા માટે ઘણું કામ કર્યું. તેમના યોગદાનને સમગ્ર ભારતમાં ફેલાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. 

પ્રભુ શ્રીરામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહઅયોધ્યામાં રામલલાના અભિષેકને લઈને સંઘનો વ્યાપક જનસંપર્ક થયો હતો. અક્ષત વિતરણ અભિયાન દ્વારા 578778 ગામો અને 4,727 નગરોના કુલ 19 કરોડ 38 લાખ 49 હજાર 71 પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો સહીત 44 લાખ  98 હજાર 334 રામ ભક્તો જોડાયા. 

સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ-સંઘ શિક્ષણ વિભાગની રચનામાં નવો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, સંઘ શિક્ષણ વર્ગની રચનામાં, પ્રાથમિક શિક્ષણ વર્ગ 7 દિવસનો હતો, પ્રથમ વર્ષ 20 દિવસનો, બીજો વર્ષ 20 દિવસનો અને ત્રીજો વર્ષ 25 દિવસનો હતો.હવે નવી યોજનામાં 3 દિવસનો પ્રારંભિક વર્ગ, 7 દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ અને 15 દિવસનો સંઘ શિક્ષણ વર્ગ અને 20 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-1 અને 25 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-2 રહેશે.  2017 થી 2023 સુધી દર વર્ષે સંઘની આ વેબસાઇટ પર સંઘમાં જોડાવા માટે 1 લાખથી વધુ વિનંતીઓ સતત આવી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં રામલલાના અભિષેક બાદ આ આંકડા બમણા થઈ ગયા છે. 

ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ :ગુજરાતમાં વર્તમાનમાં 1588 દૈનિક શાખા, 1128 સાપ્તાહિક મિલન તથા 625 સંઘમંડળ છે.વિશેષ કાર્યક્રમમાં હિંમતનગર ખાતે “અંગદ શક્તિ એકત્રીકરણ” નું આયોજન કરાયું હતું જેમાં 8052 સ્વયંસેવકોએ ભાગ લીધો.  

ગુજરાતમાં સંઘની જવાબદારીમાં બદલ-

1.    ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય હવે પછી પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા)ના સહ ક્ષેત્ર પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.2.   ગુજરાતના સહ પ્રાંતપ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ હવે પછી ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.3.   શ્રી કૃણાલભાઈ રૂપાપરા ગુજરાતના સહ પ્રાંત પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.4.   શ્રી અતુલની લીમયે ક્ષેત્ર પ્રચારક, પશ્ચિમ ક્ષેત્ર હવે પછી સહ સરકાર્યવાહની જવાબદારી સંભાળશે.

22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂજ્ય સંતો અને મહાપુરુષોના માર્ગદર્શન હેઠળની રાષ્ટ્રવ્યાપી ચળવળ અને સમાજના વિવિધ ઘટકોના સામૂહિક સંકલ્પના પરિણામે સંઘર્ષના લાંબા અધ્યાયનું સુખદ નિરાકરણ થયું. આ પવિત્ર દિવસને સાક્ષાત જીવનમાં જોવાની શુભ તક પાછળ સમગ્ર આંદોલનરત હિંદુ સમાજ સહિત સંશોધકો, પુરાતત્વવિદો, ચિંતકો, ન્યાયશાસ્ત્રીઓ, મીડિયા, બલિદાન આપનાર કાર સેવકો અને સરકાર-પ્રશાસનનું મહત્વનું યોગદાન ખાસ નોંધનીય છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ સંઘર્ષમાં પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને ઉપરોક્ત તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. 

શ્રી રામ મંદિરમાં ખાતે અભિમંત્રિત અક્ષત વિતરણ અભિયાનમાં સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી હતી. લાખો રામ ભક્તોએ તમામ શહેરો અને મોટાભાગના ગામડાઓમાં કરોડો પરિવારોનો સંપર્ક કર્યો. 22 જાન્યુઆરી 2024 ના રોજ, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અદભુત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શેરી અને ગામડાઓમાં સ્વયંભૂ શોભાયાત્રાઓ, દરેક ઘરમાં દીપોત્સવનું આયોજન, ભગવા ધ્વજ લહેરાવવા અને મંદિરો અને ધાર્મિક સ્થળોએ આયોજિત સંકીર્તન વગેરેએ સમાજમાં નવી ઉર્જાનો સંચાર કર્યો. 

શ્રી અયોધ્યાધામમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશના ધાર્મિક, રાજકીય અને સામાજિક જીવનના દરેક ક્ષેત્રના ટોચના નેતૃત્વ અને તમામ ધર્મો અને સંપ્રદાયોના પૂજ્ય સંતોની ગૌરવપૂર્ણ હાજરી હતી. આ દર્શાવે છે કે શ્રી રામના આદર્શો અનુસાર સમરસ અને સુગઠિત રાષ્ટ્રીય જીવનનું નિર્માણ કરવા માટે વાતાવરણ ઊભું થઇ ગયું છે. આ ભારતના પુનરુત્થાનના ભવ્ય અધ્યાયની શરૂઆતનો પણ સંકેત આપે છે. શ્રી રામના જન્મસ્થળ પર રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે, સમાજ વિદેશી શાસન અને સંઘર્ષના સમયગાળા દરમિયાન આવેલા આત્મવિશ્વાસના અભાવમાંથી અને આત્મવિસ્મૃતિના બહાર આવી રહ્યો છે. સંપૂર્ણ સમાજ હિંદુત્વની ભાવનાથી રંગાઈ, પોતાના “સ્વ” ને જાણવા અને તેના આધારે જીવવા માટે તૈયાર થઈ રહ્યો છે. 

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને સામાજિક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહીને સમાજ અને રાષ્ટ્ર માટે બલિદાન આપવાની પ્રેરણા આપે છે. તેમની શાસન પ્રણાલી વિશ્વ ઈતિહાસમાં “રામરાજ્ય”ના નામથી પ્રસિદ્ધ થઈ, જેના આદર્શો સાર્વત્રિક અને શાશ્વત છે. જીવનમૂલ્યોનું અધઃપતન, માનવીય સંવેદનામાં ઘટાડો, વિસ્તરણવાદને કારણે વધતી હિંસા અને ક્રૂરતા વગેરે પડકારોનો સામનો કરવા માટે રામ રાજ્યની સંકલ્પના આજે પણ સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે. 

આ પ્રતિનિધિ સભાનો સુવિચારિત અભિપ્રાય છે કે સમગ્ર સમાજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શોને પોતાના જીવનમાં સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જેના કારણે રામમંદિરના પુનર્નિર્માણનો ઉદ્દેશ્ય સાર્થક થશે. આજે સમાજમાં શ્રી રામના જીવનમાં પ્રતિબિંબિત ત્યાગ, પ્રેમ, ન્યાય, શોર્ય, સદભાવ અને નિષ્પક્ષતા વગેરે જેવા ગુણો ધર્મના શાશ્વત મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. તમામ પ્રકારના પરસ્પર વૈમનસ્ય અને મતભેદો સમાપ્ત કરી અને સમરસતાયુક્ત પુરુષાર્થી સમાજનું નિર્માણ કરવું એજ શ્રી રામની વાસ્તવિક ઉપાસના થશે.  અ.ભા.પ્ર.સભા સમસ્ત ભારતીયોને બંધુત્વ ભાવ યુક્ત, કર્તવ્યનિષ્ઠ, મુલ્ય આધારિત, સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવાવાળા સમર્થ ભારતના નિર્માણનું આહ્વાન કરે છે. જેના આધારે ભારત સર્વકલ્યાણકારી વૈશ્વિક વ્યવસ્થા નિર્માણ કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકશે.

સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબલેજીનું નિવેદન

31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300મા જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્તા સુધીની જીવનયાત્રા આજે પણ પ્રેરણાનો મહાન સ્ત્રોત છે. તેઓ કતૃત્વ, સાદગી, ધર્મપ્રતિ સમર્પણ, પ્રશાસનિક કુશળતા, દીર્ઘદૃષ્ટિ તથા ઉજ્જવળ ચારિત્ર્યનું અદ્વિતિય ઉદાહરણ હતા.

‘श्री शंकर आज्ञेवरुन’ (શ્રી શંકરજીની આજ્ઞાનુસાર) આ રાજમુદ્રાથી ચાલતું તેમનું શાસન સદૈવ ભગવાન શંકરના પ્રતિનિધિના સ્વરૂપે જ કાર્ય કરતું રહ્યું હતું. તેમનું લોક કલ્યાણકારી શાસન, ભૂમિહીન ખેડુતો, ભીલો જેવા જનજાતિ સમુહો તથા વિધવાઓના હિતોની રક્ષા કરવાવાળુ એક આદર્શ શાસન હતું. સમાજ સુધારણા, કૃષિ સુધારણા, જળ વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, લોક કલ્યાણ અને શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવા ઉપરાંત તેમનું શાસન ન્યાયપ્રિય પણ હતું. સમાજના તમામ વર્ગોને સન્માન, સુરક્ષા અને પ્રગતિની તકો પૂરી પાડવાની સમરસતાની દ્રષ્ટિ તેમના વહીવટનો આધાર હતી.

તેમણે માત્ર તેમના રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના મંદિરોની પૂજા વ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપ્યું. તેમણે બદ્રીનાથથી રામેશ્વરમ અને દ્વારકાથી પુરી સુધી આક્રમણખોરો દ્વારા નુકસાન પામેલા મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું. પ્રાચીન સમયથી ચાલી રહેલી અને આક્રમણ કાળમાં વિક્ષેપિત થયેલી તીર્થયાત્રાઓમાં નવી જાગૃતિ આવી. આ મહાન કાર્યોને કારણે તેમને ‘પુણ્યશ્લોકા’નું બિરુદ મળ્યું. સમગ્ર ભારતમાં ફેલાયેલા આ પવિત્ર સ્થળોનો વિકાસ વાસ્તવમાં તેમની રાષ્ટ્રીય દ્રષ્ટિનું પ્રતિબિંબ છે.

દેવી અહિલ્યાબાઈને તેમની 300મી જન્મજયંતિના પાવન અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને, તમામ સ્વયંસેવકો અને સમાજના બંધુ-ભગિનિઓએ આ પર્વ પર આયોજિત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવું જોઈએ. તેમના દ્વારા દર્શાવેલા સાદગી, ચારિત્ર્ય, ધાર્મિકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના માર્ગ પર અગ્રેસર થવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

15-03-2024

  • વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે.
  • શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ.
  • સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે.
  • સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન મા. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ વર્ષે નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે.

પ્રતિનિધિ સભાના અનુસંધાનમાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈદ્યે કહ્યું કે “સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે.” આપણે છેલ્લા 99 વર્ષથી આનો અનુભવ કરી રહ્યા છીએ. વર્ષ 2017 થી 2024 સુધી સંઘના કાર્યક્ષેત્રનું મૂલ્યાંકન કરીને, તેની વ્યાપકતા ધ્યાન પર આવે છે. દેશના હાલ 99% જિલ્લાઓમાં સંઘનું કાર્ય ચાલી રહ્યું છે. સંઘના કાર્યક્ષેત્ર વિશે માહિતી આપતા ડૉ.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે કાર્યની દૃષ્ટિએ સંઘ પાસે 45 પ્રાંત છે, ત્યારબાદ વિભાગો અને ત્યારબાદ જિલ્લા અને ખંડ છે. વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4,466 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 27717 છે, જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 10567 છે. શહેરો અને મહાનગરોની 10 હજાર વસ્તીઓમાં 43000 શાખાઓ છે. મહિલા સંકલનના કાર્યમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય મહિલા કાર્યકરો દ્વારા 44 પ્રાંતોમાં 460 મહિલા સંમેલન યોજવામાં આવ્યા હતા, જેમાં 5 લાખ 61 હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ 2024 થી એપ્રિલ 2025 સુધી ઉજવવામાં આવશે. અહલ્યાબાઈ હોલકરે દેશભરમાં ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાવ્યું અને નિરાધાર લોકોની આર્થિક આત્મનિર્ભરતા માટે ઘણું કામ કર્યું. તેમના યોગદાનને સમગ્ર ભારતમાં ફેલાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.  ડૉ. મનનોહનજીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે સંઘના સ્વયંસેવકો ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવશે. પ્રભુ શ્રીરામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ – અયોધ્યામાં રામલલાના અભિષેકને લઈને સંઘનો વ્યાપક જનસંપર્ક થયો હતો. અક્ષત વિતરણ અભિયાન દ્વારા 578778 ગામો અને 4,727 નગરોના કુલ 19 કરોડ 38 લાખ 49 હજાર 71 પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો સહીત 44 લાખ  98 હજાર 334 રામ ભક્તો જોડાયા. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ-સંઘ શિક્ષણ વિભાગની રચનામાં નવો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, સંઘ શિક્ષણ વર્ગની રચનામાં, પ્રાથમિક શિક્ષણ વર્ગ 7 દિવસનો હતો, પ્રથમ વર્ષ 20 દિવસનો, બીજો વર્ષ 20 દિવસનો અને ત્રીજો વર્ષ 25 દિવસનો હતો.હવે નવી યોજનામાં 3 દિવસનો પ્રારંભિક વર્ગ, 7 દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ અને 15 દિવસનો સંઘ શિક્ષણ વર્ગ અને 20 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-1 અને 25 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-2 રહેશે.  2017 થી 2023 સુધી દર વર્ષે RSS.org ની આ વેબસાઇટ પર RSS માં જોડાવા માટે 1 લાખથી વધુ વિનંતીઓ સતત આવી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં રામ લલ્લાના અભિષેક બાદ આ આંકડા બમણા થઈ ગયા છે. પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર મંચ પર ઉપસ્થિત હતા. આ અવસરે અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ શ્રી નરેન્દ્ર કુમારજી અને શ્રી આલોક કુમારજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

14-03-2024, નાગપુરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન 15 માર્ચે વિદર્ભના નાગપુર (મહારાષ્ટ્ર)ના રેશિમબાગમાં ‘સ્મૃતિ ભવન’ સંકુલમાં થવા જઈ રહ્યું છે.

પ્રતિનિધિ સભાના મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓડિટોરિયમ સંકુલમાં આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબાલે દ્વારા ગુરુવાર 14 માર્ચે સવારે કરવામાં આવ્યું હતું. આ અવસરે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી અંબેકર અને સહ-પ્રચાર પ્રમુખ નરેન્દ્ર કુમારજી અને આલોક કુમારજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિની ઝલક આપતી પ્રતિકૃતિઓ, પૂર્વ પ્રચારકોના જીવનચરિત્ર, ડાયગ્નોસ્ટિક સેન્ટર, સેવા વિભાગ, લોક કલ્યાણ સમિતિના પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી છે તથા પર્યાવરણ, સમરસતા, મહાવિદ્યાલીન આયામ, સ્વાવલંબી ભારત અભિયાન અને વિવિધ સેવા સંગઠનોના ઉપક્રમ દર્શાવવામાં આવ્યા છે.

નાગપુર, 13 માર્ચ 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 99 વર્ષથી સામાજિક સંગઠન તરીકે કામ કરે છે. આવતા વર્ષે 2025માં વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં શતાબ્દી વર્ષની ઉજવણી અંગે વિચાર-મંથન થશે. 15, 16 અને 17 માર્ચ – ત્રણ દિવસ ચાલનારી આવી બેઠકમાં સંઘના કાર્યની, ખાસ કરીને સંઘની શાખાઓની સમીક્ષા કરવામાં આવશે. શતાબ્દી વર્ષ માટે સંઘે પોતાના કાર્યને વિસ્તારવા માટે 1 લાખ શાખાઓનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માહિતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર વડા શ્રી સુનિલજી આંબેકરે આજે પ્રતિનિધિ સભા સમક્ષ પ્રેસ બ્રીફિંગમાં આપી હતી. આ દરમિયાન પશ્ચિમ ઝોનના મા. સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસીયા મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે, સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ – શ્રી નરેન્દ્ર કુમારજી અને શ્રી આલોક કુમારજી પણ ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે 2018 પછી લગભગ 6 વર્ષ બાદ નાગપુરમાં આ પ્રતિનિધિ સભા યોજાઈ રહી છે. આ બેઠકમાં સમગ્ર દેશમાંથી 1529 પ્રતિનિધિઓની અપેક્ષા છે. બેઠકમાં 36 સંઘ પ્રેરિત સંગઠનો ભાગ લેશે. જેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના આદરણીય શાંતાકાજી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી આલોક કુમારજી વગેરે ઉપસ્થિત રહેશે. સુનિલજી આંબેકરે જણાવ્યું હતું કે, તમામ સંસ્થાઓ દેશભરમાં ચાલી રહેલા પોતપોતાના કામો અને તે વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે કરવામાં આવતા પ્રયત્નો વિશે માહિતી આપે છે, તે જ ચર્ચા કરવામાં આવે છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના અભિષેકથી સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું છે. આ ઐતિહાસિક ઘટના ભારતીય પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે.

આ બેઠકમાં સંઘના આદરણીય સરકાર્યવાહજીની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આદરણીય સરસંઘચાલક જીના દેશવ્યાપી પ્રવાસની યોજનાને પણ આખરી ઓપ આપવામાં આવશે. ઉપરાંત સમાજના હિતમાં પરિવર્તન લાવવા માટે વિસ્તૃત વિચારણા કરવામાં આવશે. આ પંચ પરિવર્તન

આ બેઠકમાં સંઘના આદરણીય સરકાર્યવાહજીની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આદરણીય સરસંઘચાલક જીના દેશવ્યાપી પ્રવાસની યોજનાને પણ આખરી ઓપ આપવામાં આવશે. ઉપરાંત સમાજના હિતમાં પરિવર્તન લાવવા માટે વિસ્તૃત વિચારણા કરવામાં આવશે. આ પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા, પારિવારિક જ્ઞાન, પર્યાવરણ, ‘સ્વ’ આધારિત સમાજ રચના અને નાગરિક ફરજનો સમાવેશ કરવામાં આવશે. આ વર્ષ અહિલ્યાબાઈ હોલકરની જન્મશતાબ્દી છે. આ અંગે સંઘ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવશે. આ જન્મ શતાબ્દી મે 2024 થી એપ્રિલ 2025 ના સમયગાળામાં ઉજવવામાં આવશે. પ્રતિનિધિ સભામાં નવા અભ્યાસક્રમ સાથે યોજાનાર સંઘ શિક્ષા વર્ગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.