10-01-2025
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન 09-01-2025 ના રોજ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા), આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી (શ્રી આભરણાચાર્ય) ગોસ્વામી હવેલી, અમદાવાદ, શ્રી મિહિરભાઈ પંડ્યા (ઝાયરા ડાયમંડ), શ્રીમતી નીરીજાબેન ગુપ્તા (ઉપકુલપતિ, ગુજરાત યુનીવર્સીટી)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ કહ્યું કે હિંદુની અવધારણા છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, જ્યારે સમગ્ર વિશ્વ આઈડેન્ટીટી ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે હિંદુ શું કરે છે? ભારત શું કરે છે? અને ભારતમાં ગુજરાત શું કરે છે? તે તરફ સૌની દૃષ્ટિ છે.
આ અવસરે શ્રીમતી નીરીજાબેન ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણી જે આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની એક મહાગાથા છે અને આજે આપણે બૌદ્ધિક, સંસ્કૃતિક, શારીરિક આક્રમણમાં અટવાઈ ગયા છીએ જો ત્યારે આપણી મહાગાથાને સમજી લઈએ તો કોઈપણ જાતનો મુંજવણમાં પડીએ જ નહિ.
આચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ (શ્રી આભરણાચાર્ય) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે ત્યાં ધર્મની પરિભાષા જ એ છે કે જે આચાર વિચાર આપણે ધારણ કરીએ છીએ એજ ધર્મ છે. આ કાર્ય ખુબજ સુંદર થાય, બધા લોકો આનો લાભ લઇ શકે, સમાજને સાચી દિશા મળે તેવી હું મારી શુભેચ્છાઓ પ્રકટ કરું છું.
પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુએ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા) પોતાના આશીર્વચનમાં કહ્યું કે આપણી સંતાનોમાં આપણી સંસ્કૃતિના વિચાર સુદ્રઢ થાય એના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જ જો આપણે જતન કરીશું તો સો ટકા આપણે ભારત ને વિશ્વગુરૂના સ્થાને સ્થાપિત કરી શકીશું.
મુખ્ય વક્તા પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીએ (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર) પોતાના આશીર્વચનમાં કહ્યું કે માણસ ક્યારે માણસ બનેલો કહેવાય જયારે એના જીવનમાં મર્યાદા આવે ત્યારે એ માણસ કહેવાય. શું કરવું અને શું ન કરવું એનું નામ જ જીવન શિક્ષણ છે. આજે પર કેપિટા આવક વધારવાની વ્યવસ્થા છે પરંતુ પર કેપિટા સંસ્કાર વધારવાની કોઇ વ્યવસ્થા નથી, જે ઉભી કરવી પડશે, રાષ્ટ્ર ભાવના પ્રસ્થાપિત કરવાની છે. આર્થિક માળખુ છે પરંતુ સામાજીક, ધાર્મિક સાંસ્કૃતિક માળખા ઘસાતા જાય છે તેને જાળવવાનો પ્રયાસ છે હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળો.
હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પ્રાંત અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું જ્યારે નારણભાઈ મેઘાણીએ (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) મેળો યોજાવાનો છે તે સ્થાનમાં યોજાનારા કાર્યક્રમોનો ભૌગોલિક પરિચય આપ્યો હતો. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસે ૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન પ્રતિદિન આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

