રાષ્ટ્રીય સ્વયં સેવક સાબરકાંઠા જિલ્લા દ્વારા હિંમતનગર ખાતે“અંગદ શકિત એકત્રીકરણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭ હજારથી વધુ સ્વયં સેવકોએ બે ભાગમાં પથ સંચલનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ પર આવેલ મહાદેવ મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. પથ સંચલનના માર્ગ પર મોટી સંખ્યામાં નગરજનોએ ફુલો વર્ષાવીને કાર્યકર્તાઓનુ અભિવાદન કર્યુ હતુ. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે શ્રી શબરીધામના ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ હિરાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે ડૉ. હેગડેવારજીએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ કરાવ્યો હતો. જેની શતાબ્દીની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અંગદ શકિત એકત્રીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હજારો વર્ષથી ગંગાજી પ્રવાહિત થઇ રહ્યા છે એમાં કોઈજ ખંડ નથી પડ્યો, તેવીજ રીતે હજારો વર્ષ વીત્યા પછી પણ આપણી સંસ્કૃતિ, પરંપરા, નીતિ આપણા મુલ્યો આ બધુ જ જીવંત છે. અને એની પ્રેરણાથી જ આજે પણ આપણે કાર્ય કરીએ છીએ આપણી કોઈ પ્રેરણા બદલાઈ નથી. આપણી પ્રેરણા આજે પણ મર્યાદા પુરોષોત્તમ ભગવાન શ્રીરામચંદ્ર છે. ભગવાનના કામમાં પોતાનું સર્વસ્વ લગાડનાર સુગ્રીવ, અંગદ, નળ નીલ, હનુમાનજી, જામવંત આદિ બધાજ આજે પણ આપણા આદર્શ છે.
સંઘ સ્થાપક ડોક્ટર હેડગેવારજીએ પણ આ બધાજ આદર્શોને સામે રાખીને સંઘની સ્થાપના કરી હતી, હિન્દુ સમાજે અગાઉ અસંગઠીત હોવાના કારણે ખુબજ સહન કર્યુ છે. સમાજને સંગઠીત કરી તેમની સેવા કરવાની છે. સંઘ જયોતિ રૂપે પ્રગટે તેવો પ્રયાસ કરવાનો છે. સંસ્કાર આપ્યા સિવાય કોઇ વ્યકિતમાં પરિવર્તન આવતુ નથી. દરેક ગામ, મહોલ્લામાં કાર્યકર્તાઓને સંઘની શાખા સાથે જોડીને સારા કાર્યો કરવા પડશે. સામર્થ્ય આપણે સંગ્રહિત કરવાનો છે પણ એનો કોઈ પણ પ્રકારનો અહંકાર આપણા મનમાં ના આવે તેનો પણ આપણે ધ્યાન રાખવાનું છે. કાર્યક્રમોના માધ્યમથી આપણે યુવાનોમાં સમાજ નિષ્ઠા, દેશનિષ્ઠા સમાજ માટે કાર્ય કરવાની ભાવના નિર્માણ થશે. આપણે એવું બિલકુલ અપેક્ષા ના રાખીએ કે માત્ર સોશયલ મિડિયાના માધ્યમથી કે કેવળ ભાષણોના આધારે કોઈ સમર્પિત શક્તિ નિર્માણ થઇ જશે. સ્થાયી પરિવર્તન સ્થાયી સંસ્કારોના માધ્યમથી જ આવે છે.
આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે યોજાવાની છે. તે પૂર્વે આપણું ગામ સુશોભિત બને, ગામના દરેક મંદિર સ્વચ્છ બને સુશોભિત બને રંગોળી થાય અને દરેક ઘરે દિવડાઓ પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવણી કરવાની છે.
આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે દિનેશભાઇ હિરાભાઇ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કરી જણાવ્યુ હતુ કે આરએસએસના કાર્યકર્તાઓનુ સંગઠન સ્વાર્થ વગર નિવસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરે છે. પરિશ્રમ, ત્યાગ, રાષ્ટ્રપ્રેમ, શૌર્ય સાહસ અને ધીરજના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે શતાબ્દી વર્ષની ઉજવણીમાં સૌ કાર્યકર્તાઓ જાણે કે રાષ્ટ્ર એ સુંદર ગીત છે તો કાર્યકર્તાઓ સરગમ છે. આ પ્રસંગે જિલ્લા કાર્યવાહક જયેશભાઇ પંકજભાઇ પટેલ, પ્રકાશભાઇ પરમાર, પરિમલભાઇ પંડિત, જિલ્લા સંચાલક મુકેશભાઇ સોની, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય, રાહુલભાઇ ભટ્ટ સહિત કાર્યકર્તાઓ પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.