ખાનપુરના ખેડૂતે બે વીઘાં જમીનમાંથી ૧૯૩ મણ ડાંગરનું જંગી ઉત્પાદન મેળવ્યું

સામાન્ય રીતે ડાંગરનો ઉતારો વીઘે ૬૦થી ૬૫ મણનો થાય, પરંતુ ખાનપુરના ખેડુતે વીઘે ૯૬ મણ ડાંગરનો ઉતારો મેળવ્યો

મબલખ ઉત્પાદન માટે ખેડૂત શું કહે છે?

બે વીઘા જમીનમાં ૧૯૩ મણ ડાંગરનું જંગી ઉત્પાદન મેળવનાર ખાનપુરના ખેડુત મિનેષકુમાર પટેલે જણાવ્યું હતુ કે, ખેતીપાકોમાં રાસાયણિક ખાતરથી રોગોનું પ્રમાણ વધી જાય છે. પરંતુ ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરવાથી ખેતીપાકોમાં રોગ આવવાની શકયતાઓ એકદમ ઘટી જાય છે જેથી ઉત્પાદન વધુ મળે છે.

આણંદ જિલ્લાના ખાનપુરના ખેડૂતે બે વીઘાં જમીનમાંથી ૧૯૩ મણ ડાંગરનું જંગી ઉત્પાદન મેળવી ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી છે. અનુભવી ખેડૂતોને વિચાર કરતાં કરી દીધા છે. આ વર્ષ ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ડાંગરનો પાક ખર્ચાળ સાબિત થયેલ છે અને વાતાવરણની વિપરીત અસરના કારણે મધ્યગુજરાતમાં ડાંગરના પાકમાં પાનવાળનારી ઇયળ લશ્કરી ઇયળ, અને ચુસિયાનો ભરપૂર ઉપદ્રવ હોઇ લગભગ ડાંગર પકવતા બધાં જ ખેડુતોને રડવાનો વારો આવ્યો છે અને ધાર્યા જેટલું ઉત્પાદન મળેલ નથી.

જેની સામે ઓર્ગેનીક ખેતીનો આગ્રહ રાખતા ખાનપુર ગામના નિમેષભાઇએ પોતાની મહેનત અને આવડતથી ઓર્ગેનીક ખેતી પદ્ઘતિ વાપરીને પોતે પોતાની ર વિઘા જમીનમાંથી આ વર્ષે ૧૯૩ મણ ડાંગરનું ઉત્પાદન લીધેલ છે જે ગૌરવની બાબત છે. બોરસદ તાલુકાના ખાનપુર ગામના યુવાન ખેડુત મિનેષકુમાર હસમુખભાઇ પટેલ ચોમાસાની ઋતુમાં પોતાની બે વીઘાં જમીનમાં ડાંગરની ખેતી કરતા હતા અને વીઘે ૬૦થી ૬૫ મણનો ડાંગરનો ઉતારો મેળવતા હતા. પરંતુ ચાલુ વર્ષે તેમણે ડાંગરની ખેતી કરવામાં યુરિયા ખાતરનો નહિવત ઉપયોગ કરી યુરીયા ખાતરની જગ્યાએ ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ડાંગરનું જંગી ઉત્પાદન મેળવવામાં મોટી સિદ્ઘિ હાંસલ કરી હોવાનું જણાવી રહ્યા છે. મિનેષકુમારે ચાલુ વર્ષે ગુજરાત-૧૩ ડાંગરના બિયારણનો ઉપયોગ કર્યો હતો અને પ્રારંભિક સમય ગાળામાં બે વીઘામાં માત્ર એક ગુણ યુરિયા ખાતર નાંખ્યા બાદ ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કર્યો હતો અને માત્ર બે ગુણ ઓર્ગેનીક ખાતર નાંખવાથી ડાંગરનો પાક ખુબજ સારો થયો હતો અને દર વર્ષ કરતા ચાલુ વર્ષે ડાંગરના પાકમાં રોગનું પ્રમાણ બિલકુલ નહિવત હોઇ બે વીઘામાંથી ૧૯૩ મણ ડાંગરનો ઉતારો ખેડૂતોને મળ્યો છે.

Saptrang ShortFest - All Info