દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઇ રહ્યા છે – ડૉ મનમોહનજી વૈદ્ય

11.03.2022

કર્ણાવતી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આજે કર્ણાવતીમાં શરૂઆત થઈ હતી. આ પ્રસંગે પરમપૂજ્ય સર સંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબલેજીએ ભારત માતાના ચિત્ર પર પુષ્પ અર્પણ કર્યા હતા. બાદમાં સરકાર્યવાહજીએ પ્રતિનિધિઓ સામે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.

બેઠકનો પ્રારંભ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ  ડો. મનમોહનજી વૈદ્યએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે અખિલ ભારતીય પ્રતિનિધી સભા સંઘનુ મહત્વપૂર્ણ નિર્ણય લેવાવાળું મંડલ છે. આ વર્ષે 1248 પ્રતિનિધિઓ બેઠકમાં અપેક્ષિત છે. દર વર્ષે એક થી સવા લાખ યુવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઇ રહ્યા છે. બેઠકમાં ગત વર્ષે દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભારતરત્ન સુશ્રી લતા મંગેશકર, સીડીએસ જનરલ બિપીન રાવત, બાબાસાહેબ પુરંદરે, શ્રી રાહુલ બજાજ, પંડિત બિરજુ મહારાજ અને પૂ. શ્રીનિવાસ રામાનુજાચાર્ય પ્રમુખ છે.

 ગત બે વર્ષમાં કોવિડ સંકટ હોવા છતાં સંઘનું કાર્ય 2020 ની તુલનામાં 98.6 ટકા ફરી પાછુ શરુ થઈ ચૂક્યું છે. સાપ્તાહિક મિલનની સંખ્યા પણ વધી છે. દૈનિક શાખાઓમાં 61 ટકા વિદ્યાર્થીઓની છે અને 39 ટકા વ્યવસાયિકોની શાખાઓ છે. સંઘની દ્રષ્ટિએ દેશભરમાં 6506  ખંડ છે જેમાં 84% શાખાઓ સમાવિષ્ટ છે. 59,000 મંડલોમાથી આશરે 41% મંડલોમાં સંઘ પ્રત્યક્ષ શાખા સ્વરૂપે કાર્યરત છે.

ડો. વૈદ્યે જણાવ્યું હતું કે 2303 નગરીય ક્ષેત્રોમાંથી 94 ટકામાં  શાખાનું કાર્ય ચાલે છે અને આવનારા બે વર્ષમાં તમામ મંડલોમાં સંઘની શાખાઓ હોય તેવો પ્રયાસ કરવામાં આવશે. 2017 થી 2021 સુધીમાં જોઈન આરએસએસ વેબસાઈટના માધ્યમથી ૩૦થી ૩૫ની વયના દર વર્ષે લગભગ એકથી સવા લાખ યુવાનોએ સંઘની સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

15 એપ્રિલથી જુલાઈના મધ્ય સુધી 104 સ્થાનો પર સંઘ શિક્ષા વર્ગો થશે જેમાં સરેરાશ 300ની સંખ્યા રહેશે. કોરોનાકાળમાં સંઘના સ્વયંસેવકોએ સમાજ સાથે મળીને સક્રિયતાથી સેવાકાર્ય કર્યું.હતું. સાડા પાંચ લાખ સ્વયંસેવકોએ કોવિડ મહામારીના પહેલા જ દિવસથી સેવાકાર્યનો પ્રારંભ કરી દીધો હતો. વિશ્વમાં માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં મોટી સંખ્યામાં મઠ, મંદિર, ગુરુદ્વારાઓથી બહુ મોટી સંખ્યામાં સેવા કરવા માટે લોકો બહાર નીકળ્યા હતાં. આ એક જાગૃત  રાષ્ટ્રનું લક્ષણ છે.

ડો. વૈદ્યે જણાવ્યું હતું કે સંઘમાં કુટુંબ પ્રબોધન, ગૌસંવર્ધન અને ગ્રામીણ વિકાસના કાર્યો ખૂબ સારી માત્રામાં થઈ રહ્યા છે. અંતમાં તેમણે સ્વયંસેવકોને સંઘકાર્ય માટે વધુ સમય આપવા આહવાન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં સહ  સરકાર્યવાહ  ડો. મનમોહનજી વૈદ્યની સાથે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકર, અખિલ ભારતીય સહ પ્રચારપ્રમુખો શ્રી નરેન્દ્રકુમારજી તથા આલોકકુમારજી ઉપસ્થિત રહ્યા હતા.

Periodicals