પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરનું 300મું જયંતિ વર્ષ

સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબલેજીનું નિવેદન

31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300મા જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્તા સુધીની જીવનયાત્રા આજે પણ પ્રેરણાનો મહાન સ્ત્રોત છે. તેઓ કતૃત્વ, સાદગી, ધર્મપ્રતિ સમર્પણ, પ્રશાસનિક કુશળતા, દીર્ઘદૃષ્ટિ તથા ઉજ્જવળ ચારિત્ર્યનું અદ્વિતિય ઉદાહરણ હતા.

‘श्री शंकर आज्ञेवरुन’ (શ્રી શંકરજીની આજ્ઞાનુસાર) આ રાજમુદ્રાથી ચાલતું તેમનું શાસન સદૈવ ભગવાન શંકરના પ્રતિનિધિના સ્વરૂપે જ કાર્ય કરતું રહ્યું હતું. તેમનું લોક કલ્યાણકારી શાસન, ભૂમિહીન ખેડુતો, ભીલો જેવા જનજાતિ સમુહો તથા વિધવાઓના હિતોની રક્ષા કરવાવાળુ એક આદર્શ શાસન હતું. સમાજ સુધારણા, કૃષિ સુધારણા, જળ વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, લોક કલ્યાણ અને શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવા ઉપરાંત તેમનું શાસન ન્યાયપ્રિય પણ હતું. સમાજના તમામ વર્ગોને સન્માન, સુરક્ષા અને પ્રગતિની તકો પૂરી પાડવાની સમરસતાની દ્રષ્ટિ તેમના વહીવટનો આધાર હતી.

તેમણે માત્ર તેમના રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના મંદિરોની પૂજા વ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપ્યું. તેમણે બદ્રીનાથથી રામેશ્વરમ અને દ્વારકાથી પુરી સુધી આક્રમણખોરો દ્વારા નુકસાન પામેલા મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું. પ્રાચીન સમયથી ચાલી રહેલી અને આક્રમણ કાળમાં વિક્ષેપિત થયેલી તીર્થયાત્રાઓમાં નવી જાગૃતિ આવી. આ મહાન કાર્યોને કારણે તેમને ‘પુણ્યશ્લોકા’નું બિરુદ મળ્યું. સમગ્ર ભારતમાં ફેલાયેલા આ પવિત્ર સ્થળોનો વિકાસ વાસ્તવમાં તેમની રાષ્ટ્રીય દ્રષ્ટિનું પ્રતિબિંબ છે.

દેવી અહિલ્યાબાઈને તેમની 300મી જન્મજયંતિના પાવન અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને, તમામ સ્વયંસેવકો અને સમાજના બંધુ-ભગિનિઓએ આ પર્વ પર આયોજિત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવું જોઈએ. તેમના દ્વારા દર્શાવેલા સાદગી, ચારિત્ર્ય, ધાર્મિકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના માર્ગ પર અગ્રેસર થવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

Periodicals