ભારતના જ્ઞાનની ચર્ચા આગળ વધારવા પ્રયાસ કરીશું – દત્તાત્રેય હોસબાલેજી

13.03.2022, કર્ણાવતીઃ

ભારત વિશેની ચર્ચા વધુ મજબૂત રીતે થાય, તેને વધુ પ્રભાવક બનાવી શકાય એ માટે આગામી વર્ષોમાં વિશેષ પ્રયાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે, ભારતના હિન્દુ સમાજ, સંસ્કૃતિ, ઈતિહાસ, અહીંની જીવન પદ્ધતિ અંગે એક સાચું ચિત્ર સમાજ સમક્ષ રજૂ થવું જોઇએ. ભારતની અંદર તેમજ વિદેશોમાં ભારત અંગે કાંતો અજ્ઞાનને કારણે અથવા જાણીજોઇને ખોટી બાબતો ફેલાવવાનું કાવતરું ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ વૈચારિક ભ્રમણાને બદલીને તથ્ય આધારિત ભારત વિશેના જ્ઞાનને આગળ વધારવાનું છે. સમાજમાં અનેક લોકો આ દિશામાં કામગીરી કરી રહ્યા છે, સંશોધન કર્યાં છે, પુસ્તકો લખ્યાં છે. વિચારધારાને આગળ વધારવા માટે એ બધાની સાથે સંકલન-સહયોગ કરવામાં આવશે.

સરકાર્યવાહજી કર્ણાવતીમાં આયોજિત ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકના અંતિમ દિવસે (રવિવાર, 13 માર્ચે) પત્રકારોને સંબોધી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, સંઘની સ્થાપનાનું શતાબ્દી વર્ષ નજીક આવી રહ્યું છે. પ્રત્યેક ત્રણ વર્ષે સંઘની કામગીરીના વિસ્તરણ માટે (ભૌગોલિક તેમજ સંઘની કામગીરીના આયામો સહિત) યોજના તૈયાર કરવામાં આવે છે અને જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા હોય તે આગળ વધારવામાં આવે છે. દર વર્ષે બે વખત (કાર્યકારી મંડળ, પ્રતિનિધિ સભા)માં તેની સમીક્ષા કરવામાં આવે છે.

હાલ દેશમાં 50 ટકા તાલુકામાં સંઘની કામગીરી પહોંચી છે અને આગામી બે વર્ષમાં તમામ તાલુકામાં કામગીરી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. શહેરી ક્ષેત્રોમાં 45 ટકા વિસ્તારોમાં સંઘ કાર્યરત છે, અને બે વર્ષમાં તમામ વિસ્તારોમાં તે પહોંચાડવાનું લક્ષ્ય છે.

સરકાર્યવાહે જણાવ્યું કે, સંઘની કામગીરીમાં વધારો કરવાનો ઉદ્દેશ સંખ્યાના આધારે ગર્વ લેવા માટે નથી. સંઘના પ્રત્યેક સ્વયંસેવક દરેક વિસ્તાર-તાલુકામાં છે અર્થાત રાષ્ટ્રીયતા, રાષ્ટ્ર ભાવનાને આગળ વધારનાર એક-એક વ્યક્તિ તો છે જ. તેઓ મુશ્કેલીના સમયે સમાજના તમામ લોકોને જોડનાર વ્યક્તિ હોય છે. આથી સંઘના સંગઠનની ક્ષમતા વધારવાનું અમારું લક્ષ્ય નથી, પરંતુ અમારું ધ્યેય સમાજની આંતરિક શક્તિ વધારવાનું છે. સામાજિક એકતા, સમરસતા, સંગઠન ભાવ વધારવાનો છે. આથી સંઘની શાખા છે એ ભાવનાને સમજીને સમાજે સહયોગ આપ્યો છે, સહજ સ્વીકાર કર્યો છે.

સ્વયંસેવકો સમાજના અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. સ્વયંસેવકોની પહેલથી સમાજના સજ્જન વ્યક્તિઓના સહયોગથી સમાજ પરિવર્તનની કામગીરીને પરિણામલક્ષી રીતે આગળ વધારી છે. અમારે સ્પર્ધામાં આગળ નથી રહેવું, પણ તમામ સાથે મળીને સંકલન સાથે કામગીરી કરે એવું અમે ઈચ્છીએ છીએ. સમાજ પરિવર્તનની કામગીરીને સમાજનું આંદોલન બનાવવા માગીએ છે. અમે દેશના પ્રત્યેક જિલ્લામાં એક ગામને આદર્શ ગામ બનાવવા માગીએ છીએ. હાલ દેશમાં 400 ગામ પ્રભાત ગામ છે, જ્યાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. એવી જ રીતે પરિવાર ભાવના, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, ગૌસેવા-સંવર્ધન જેવાં ક્ષેત્રોમાં સ્વયંસેવક કામગીરી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. સ્વતંત્રતા આંદોલન સાર્વત્રિક અને સર્વસમાવેશી હતું. પરંતુ ઘણી હકીકતોની લોકોને જાણ નથી, એ દબાઈ ગઈ છે. સ્વતંત્રતા સૈનિકોએ સંગઠિત અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન જોયું હતું. તે સાકાર કરવાનું કામ વર્તમાન પેઢીએ કરવું જોઇએ. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વિવિધ કાર્યક્રમ કરી રહ્યા છીએ.

બે ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રમાં શાળાઓ બંધ રહેવાથી વિદ્યાર્થીઓની પ્રગતિ ઉપર પ્રભાવ પડ્યો છે. આ અંગે સંઘના સ્વયંસેવક કામગીરી કરી રહ્યા છે. ઑનલાઇન માધ્યમથી અભ્યાસ તો થયો પરંતુ ઘણું છૂટી ગયું છે, જેની ભરપાઈ કરવી જરૂરી છે. બીજું, કોરોનાને કારણે રોજગારી ઉપર અસર થઈ છે, ત્યારે સ્વાવલંબન બાબતે પણ સ્વયંસેવક કાર્ય કરી રહ્યા છે.

આ સંદર્ભમાં બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કુદરતી સંસાધનોની વિપુલ માત્રા, પૂરતી માત્રામાં માનવશક્તિ તથા આંતરિક ઉદ્યોગ સાહસિકતાને કારણે ભારત ખેતી, ઉત્પાદન તથા સેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવીને યોગ્ય તકો ઊભી કરીને આત્મનિર્ભર બનવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો સદ્દઉપયોગ કરવા માટે એક તરફ સરકારી યોજનાઓ જોઈએ, સાથે જ સમાજની કર્તવ્યભાવના પણ વધવી જોઇએ.

ગુજરાતના સ્વયંસેવકોએ, સમાજ બંધુઓએ દાયકાઓથી સંઘની કામગીરીમાં સહયોગ આપીને તેને સુદ્રઢ બનાવી છે. તેમના પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, કેમ કે તેમણે સૌએ પોતાની જ કામગીરી સમજીને સહકાર આપ્યો છે.

Saptrang ShortFest - All Info