ભારત પહેલાથી જ હિંદુ રાષ્ટ હતું, છે અને રહેશે – શ્રી દત્તાત્રેય  હોસબાલે

  • સીમાવર્તી વિસ્તારોના નાગરિકો સાથે અડીખમ ઉભો રહ્યો છે સંઘ
  • સ્વયંસેવકો જનસંપર્ક અભિયાનમાં પૂજિત અક્ષત અને શ્રી રામલલાના ચિત્ર લઈને ઘરે – ઘરે પહોચશે
  • સ્વયંસેવકો સામાજિક સમરસતા, ગ્રામ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયત્નો વધારશે

07-11-2023, Bhuj

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દતાત્રેય હોસબાલેજી એ જણાવ્યું હતું કે દેશભરમાં સીમાવર્તી ક્ષેત્રોમાં સુરક્ષાની દ્રષ્ટિએ સીમા જાગરણ મંચ દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષા, સુરક્ષા, સ્વાવલંબન સહીત નાગરિક કતર્વ્યના વિષયોમાં અધિક ગતિથી કાર્ય કરવામાં આવશે. સીમાવર્તી ક્ષેત્રોમાં સ્થાનીય નાગરિકો અને સુરક્ષાતંત્ર સાથે સંકલન વધારવાના વિશેષ પ્રયત્નો કરવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે 07 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ. બેઠકમાં સંઘ દ્રષ્ટિથી 45 પ્રાંત અને 11 ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય તથા અમુક વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહીત 357 પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક અંતિમ દિવસે પત્રકારોને સંબોધતા સરકાર્યવાહ દતાત્રેયજીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય અસ્મિતાનું એક મોટું આંદોલન આપણે આપણા જીવનકાળ દરમિયાન જોયું. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. આગામી 22 જાન્યુઆરીના નવનિર્મિત શ્રી રામલલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાં જઈ રહી છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા પૂજનીય સરસંઘચાલકજી અને પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશભરના લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તે માટે તા. 1 થી 15 જાન્યુઆરી સુધી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન દ્વારા પૂજિત અક્ષત અને શ્રી રામલલાનો ચિત્ર લઈ ઘર – ઘર સુધી સ્વયંસેવકો પહોચશે. 

એમણે જણાવ્યું કે શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, ગ્રામ વિકાસ, પર્યાવરણ, ગૌસેવા અને કુટુંબ પ્રબોધન જેવા મુદ્દાઓને સમાજ સમક્ષ લઇ જવાનો પ્રયાસ કરાયો છે. સૌપ્રથમ, આ આયામોને સ્વયંસેવક અને શાખા સ્તરે અમલમાં મૂકવામાં આવશે. આ પ્રકારે સામાજિક સમરસતા દ્વારા સમાજને જોડવો, કુટુંબ પ્રબોધન દ્વારા સાંસ્કૃતિક મૂલ્યો આગામી પેઢી સુધી પહોંચાડવા, પર્યાવરણ સંદર્ભમાં વૃક્ષારોપણ, પોલીથીનનો ઉપયોગ ઘટાડવો અને પાણીનો બચાવ કરવો જોઈએ. જોધપુર પ્રાંતમાં, જે રાજસ્થાનનો એક તૃતીયાંશ ભાગ છે, ત્યાં સંઘ કાર્યકર્તાઓએ 14,000 કિમીનો પ્રવાસ કર્યો અને 15 લાખ વૃક્ષો વાવ્યા. કર્ણાટકમાં સીડબોલ પદ્ધતિથી એક કરોડ રોપા વાવવાની યોજના બનાવી. વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોની જીવનશૈલી સ્વદેશી હોવી જોઈએ અને તેઓએ પોતાની નાગરિક કર્તવ્યોનું પાલન કરીને વ્યક્તિગત જીવનમાં શિસ્તનું પાલન કરવું જોઈએ.

હિંદુ રાષ્ટ્ર સંબંધિત પ્રશ્નના ઉત્તરમાં શ્રી દત્તાત્રેયજીએ કહ્યું કે ભારત પહેલાથી જ હિંદુ રાષ્ટ હતું, છે અને રહેશે.

સંઘના પ્રશિક્ષણ વર્ગોના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં તરુણ અને પ્રૌઢ સહિત દરેક વય જૂથ માટે અભ્યાસક્રમ અલગ-અલગ હશે. બૌદ્ધિક અને શારીરિક ઉપરાંત સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ યોગદાન આપવા માટે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.

આદરણીય સરકાર્યવાહજીએ કહ્યું કે, આ બેઠકમાં અમે ઘણા વિષયો પર ચર્ચા કરી, જેમાં ખાસ કરીને સંઘનું બે પ્રકારનું કામ ચાલી રહ્યું છે. એક શાખા આધારિત, હિંદુ સમાજના વ્યક્તિ નિર્માણનું આ કાર્ય સંઘ દ્વારા 98 વર્ષથી અવિરતપણે કરવામાં આવે છે. સેવા સહિત કાર્યક્રમો એ માત્ર બાહ્ય સ્વરૂપ છે. વ્યક્તિ નિર્માણનું કાર્ય, જેના દ્વારા દરેક વસ્તી અને નગરોમાં દેશ માટે કાર્ય કરનાર વ્યક્તિઓનું નિર્માણ કરાય છે. વર્તમાનમાં દેશભરમાં દૈનિક અને સાપ્તાહિક શાખાઓની સંખ્યા 95528 છે. શતાબ્દી વર્ષ સુધીમાં સંઘ કાર્યને દેશના 59060 મંડળો સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. શાખામાં તમામ ઉંમરના લોકો આવે છે. સામાન્ય રીતે, સંઘના સ્વયંસેવકો પાસે સભ્યપદ હોતું નથી, આ વર્ષે 37 લાખ જેટલાં સ્વયંસેવકોએ ગુરુ પૂજનમાં ભાગ લીધો હતો, જેઓ અમારી નિત્યશાખાનાં સ્વયંસેવકો છે.

વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક વર્ષમાં બે વાર મળે છે, એક માર્ચ મહિનામાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક પહેલાં અને એકવાર સ્વતંત્ર રીતે દશેરા પછી અને દિવાળી પહેલાં યોજવામાં આવે છે.

આ પત્રકાર પરિષદમાં 2001ના વિનાશક ભૂકંપને યાદ કરીને તેમણે સંઘની પ્રેરણાથી પુન:વસન અને સેવા કાર્યનું સ્મરણ કર્યું હતું, જે આજે પણ સ્વયંસેવકોના પ્રયાસો અને સમાજના સહકારથી અવિરતપણે ચાલી રહ્યું છે. સંઘના સૌરાષ્ટ્ર-કચ્છના કાર્યકરો સુદૂરના આસામ અને ત્રિપુરામાં થઈ રહેલી યોજનાઓમાં મદદ કરે છે, જેના દ્વારા પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકરોએ દેશભરમાંથી પધારેલ તમામ અખિલ ભારતીય કાર્યકારી મંડળના સભ્યો અને અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં કચ્છની આતિથ્ય પરંપરા ઝળકી હતી. જે સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે સંકુલના કચ્છના લેવા પટેલ સમાજના ટ્રસ્ટનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

પત્રકાર પરિષદ દરમિયાન અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકર જી, સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુરજી અને સહ પ્રચાર પ્રમુખ આલોક કુમારજી ઉપસ્થિત રહ્યા હતાં.

Saptrang ShortFest - All Info