- સ્વ. સંઘના નવા સરકાર્યવાહ તરીકે શ્રી દત્તાત્રેય હોસબલે નિર્વાચિત થયા છે.
- પ્રતિનિધિ સભાની બેઠકના અંતિમ દિવસે ચૂંટણી પ્રક્રિયામાં તેમની પસંદગી કરાઇ
- શ્રી દત્તાત્રેય હોસબલે આગામી ત્રણ વર્ષ સુધી સરકાર્યવાહ તરીકેની જવાબદારી સંભાળશે.
બેંગ્લુરુ: અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબલેનું નિર્વાચન કરવામાં આવ્યું છે. શ્રી દત્તાજી હોસબલે આગામી ત્રણ વર્ષ સુધી સરકાર્યવાહ તરીકેની જવાબદારી સંભાળશે. તેઓ હાલના સંઘના સરકાર્યવાહ શ્રી ભય્યાજી જોશીનું સ્થાન ગ્રહણ કરશે. તેઓ વર્ષ 2009થી સંઘના સહ સરકાર્યવાહ હતા. સંઘમાં પ્રત્યેક ત્રણ વર્ષે ચૂંટણી પ્રક્રિયા મારફતે જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘચાલક, પ્રાંત સંઘચાલક, ક્ષેત્ર સંઘચાલકની સાથોસાથ સરકાર્યવાહની પસંદગી કરવામાં આવે છે.
શ્રી દત્તાત્રેય હોસબલે શિવમોંગા, કર્ણાટકના રહેવાસી છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર, 1954માં થયો છે. વર્ષ 1968માં તેઓ કર્ણાટકના શિવમોંગા જીલ્લામાં સંઘના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સ્વયંસેવક બન્યા હતા. વર્ષ 1978માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા અને વર્ષ 1990માં પ્રચારક બન્યા હતા. તેઓએ અંગ્રેજી વિષય સાથે MAની પદવી હાંસલ કરી છે. વિદ્યાર્થી પરિષદમાં ક્ષેત્રીય તેમજ રાષ્ટ્રીય મહામંત્રી ઉપરાંત અખિલ ભારતીય સંગઠન મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. તેઓ સંઘના અખિલ ભારતીય બૌદ્વિક પ્રમુખ પણ રહ્યા છે. ત્યારબાદ સહ સરકાર્યવાહ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો છે.
પ્રતિનિધિ સભાના પ્રારંભમાં ગત વર્ષે દિવંગત થયેલા મહાનુભાવો ને શ્રધાંજલિ આપવામાં આવી. જેમાં ગુજરાતના શ્રી નગીનદાસ સંઘવી, પૂ. પુરષોત્તમ પ્રિય દાસજી સ્વામી( મણીનગર સ્વામીનારાયણ સંસ્થાન), પૂ. જસોમતીનંદનજી (ઇસ્કોન), શ્રી કેશુભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી જીવણભાઈ પટેલ (કિસાન સંઘ), શ્રી મહેશ કનોડિયા, શ્રી નરેશ કનોડિયાનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિ સભામાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા જેમાં
પહેલો ઠરાવ શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ ભારતની અંતર્નિહિત શક્તિનું પ્રકટીકરણ છે.
બીજો ઠરાવ કોવિદ મહામારીની સામે એકજુટ ઉભું ભારત વિષય પર કરવામાં આવ્યા હતા.
ગુજરાતના સંદર્ભમાં
ગુજરાત પ્રાંત કાર્યવાહ તરીકે શ્રી શૈલેષભાઇ પટેલ રહેશે અને શ્રી યશવંતભાઈ જે પ્રાંત કાર્યવાહ હતા તેમની નિમણુક પશ્ચિમક્ષેત્ર કાર્યકારીણી સદસ્ય તરીકે કરવામાં આવેલ છે.