02-01-2025
ધરમપુરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં કર્યું શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલા પૂજન અને તકતી અનાવરણ.
શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125માં વર્ષ નિમિત્તે યોજાએલ સર્વરોગ નિદાન અને સારવારના મફત સેવાયજ્ઞનું કર્યું ઉદ્ઘાટન.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી મોહનજી ભાગવતએ ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો.
આ પ્રસંગે તેમના વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે , “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા સામે આવતાં જ હાથ જોડાઈ જાય છે. અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે કારણકે દેશને ઉન્નત કરવાનું કામ જ્યાં જ્યાં થી થાય છે, ત્યાં જવું જ જોઈએ. આવા સ્થાન પર અમારી બેટરી ચાર્જ થાય છે. વિશ્વમાં સામુહિક શક્તિ કે વૈભવના ઉદાહરણ અનેક દેશોએ આપ્યા છે, પણ સત્યની ઓળખાણ ભારત જ આપી શકશે અને ત્યારે જ વિશ્વમાં શાંતિનું સ્થાપન થશે. ભારતમાં રાષ્ટ્ર અને ધર્મ બે નથી, એક જ છે. ધર્મનું ઉત્થાન એટલે રાષ્ટ્રનું ઉત્થાન છે. એટલે આપણે પરસ્પર પૂરક છીએ”
ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા. આ અવસરે મોહનજી ભાગવતનાં હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે.
તેઓએ આને એક અધ્યાત્મ યાત્રા ગણાવી હતી. મુલાકાત દરમિયાન તેઓએ આશ્રમના વિવિધ સ્થળો અને મિશન દ્વારા દેશ વિદેશમાં ચાલી રહેલ અનેક સેવાયજ્ઞોની ઝાંખી મેળવી હતી.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહનજી ભાગવતએ શ્રી સદગુરુધામ, બરૂમાળની મુલાકાત લીધી હતી જ્યાં પ. પૂ. વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.



