સંઘ કાર્ય 1 લાખ સ્થાન સુધી લઈ જવાનો લક્ષ્ય – સુનીલ આંબેકરજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકરજીએ આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે ૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં થઈ રહ્યું છે. સંઘમાં અલગ અલગ પ્રકારની બેઠકો થતી હોય છે તેમાં સૌથી મોટી અને નિર્ણયની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભા હોય છે. અગાઉ પ્રતિનિધિ સભા નાગપુરમાં થતી હતી પરંતુ નાગપુરની બહાર પહેલીવાર પ્રતિનિધિ સભા 1988મા રાજકોટ ખાતે થઈ હતી.

આ વર્ષે પ્રતિનિધિ સભામાં 1248 પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. પરમ પૂજ્ય સરસંઘચાલકજી ડૉ મોહનરાવ ભાગવતના માર્ગદર્શનમાં સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબલે આ બેઠકનું સંચાલન કરશે. આ બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત પ્રાંત સંઘચાલકો, પ્રાંત કાર્યવાહો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓની હાજરી રહેતી હોય છે. આ વખતે 36 સંગઠનોના સંગઠન મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આ બેઠકમાં અપેક્ષિત છે .

આ બેઠકમાં દરેક વર્ષે સંઘકાર્યને લઈને યોજનાઓ બનાવવામાં આવે છે તથા તેની સમીક્ષા કરવામા આવે છે તેમજ સરકાર્યવાહજી સંઘ અને પ્રાંતોના પ્રતિવેદન પ્રસ્તુત કરે છે. ૨૦૨૫માં સંઘની સ્થાપનાને સો વર્ષ પૂરા થઇ રહ્યા છે આ અવસર પર પોતાના પ્રાંતોમાં જે યોજનાઓ બનાવવામાં આવી છે તેનું નિવેદન અને ચર્ચા આ બેઠકમાં થશે. સંઘકાર્યના સંખ્યાત્મક આંકડા પ્રાંતો દ્વારા રજૂ કરવામાં આવશે. સંઘના શતાબ્દી વર્ષના અવસર પર સંઘ કાર્ય 1,00,000 સ્થાન સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર વિભિન્ન પ્રાંતો દ્વારા જે આયોજનો કરવામાં આવ્યા છે તેની પણ ચર્ચા આ બેઠકમાં થશે. આઝાદીના સંગ્રામના એવા અનેક વિરો છે જેમની બાબતમા લોકોને વિશેષ જાણકારી નથી, તેમની  જાણકારી સમાજને આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ સ્તર પર સ્વરોજગાર દ્વારા નિર્ભરતા કઈ રીતે મેળવી શકાય એ બાબતમાં પણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

સંઘ સમાજમાં સમરસતા, પર્યાવરણ, પરિવાર પ્રબોધન જેવા વિષયો પર અનેક સંગઠનો સાથે કાર્ય કરી રહ્યો છે. આ વિષયો પર પણ આ બેઠકમાં ચર્ચા થશે તેમ જ આગળની દિશા નક્કી કરવામાં આવશે. શ્રી આંબેકરે જણાવ્યું હતું કે પ્રતિનિધિ સભાના સ્થાન પર સમગ્ર દેશમાંથી આવેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, ગુજરાતનો વિકાસ તેમજ ગુજરાતમાં સંઘનો ક્રમિક વિકાસ અને સંઘની પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખો શ્રી નરેન્દ્રકુમારજી, શ્રી આલોકકુમારજી, ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદનું સંચાલન ડો. શિરીષ કાશીકરે કર્યું હતું.

Saptrang ShortFest - All Info