સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગટીકરણ – મા.મોહનજી ભાગવત

07-04-2024 Vadodara

સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરીવર્તનના કામે લાગે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા.મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6 – 7 એપ્રિલ 2024ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી. આ પ્રસંગે મા.મોહનજી ભાગવતે આહવાહન કર્યું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરીવર્તનના કામે લાગે. સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય, સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઈએ.

               આ પ્રસંગે સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કળા, સાહિત્ય, લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરત પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ રહી અને પ્રતિભાગીઓએ પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિષે વિચાર-મંતવ્યો રજૂ કર્યા. ‘

                રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય મા. ભૈયાજી જોષીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ  અને પરંપરાના આપણે વાહક હોઈ, સમયાંતરે સમાજજીવનમાં આવતા દોષોના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે અધ્યાત્મિક, શિક્ષા, કળા, ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપણી પરંપરા રહી છે. સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે.

                મા. મોહનજી ભાગવતે ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરમાં પૂજા અર્ચના અને નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Saptrang ShortFest - All Info