હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) નું ઉદ્ઘાટન મા. શ્રી અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર) ના હસ્તે મા. શ્રી સુરેશ ભય્યાજી જોશી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ), મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) ની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આધ્યાત્મ અને સેવાના ભવ્ય સંગમ સમાન એવો આ મેળો તારીખ 23 થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાયેલો છે.
કાર્યક્રમના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીની બોલતા જણાવ્યું કે સંતો, મહંતો, મઠો દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે પરંતુ તેનો પ્રચાર કરવામાં આવતો નથી તે સેવાકાર્યો અને સંસ્થાઓને એક મંચ આપવાનો પ્રયાસ એટલે હિંદુ અધ્યાત્મ અને સેવા મેળો. હિંદુ સંતો, મહંતો, મઠો અને અન્યો દ્વારા ચાલતા વિશ્વપ્રસિદ્ધ કાર્યોનું ઉદાહરણ એટલે કુંભમેળો જે અંગ્રેજોના સમયે, મુઘલોના સમયે અને કોંગ્રેસના શાસનમાં પણ યોજાતો રહ્યો જેમાં સરકારનું યોગદાન તો શ્રીરામ સેતુ નિર્માણમાં ખિસકોલીએ આપેલા યોગદાન જેટલું જ હોય છે. કુંભથી મોટો એકતા અને સમરસતાનું સૌથી મોટુ ઉદાહરણ છે. મેળામાં પૂણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરના સ્ટોલ જોવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે દેવી અહ્લ્યાબાઈ હોલકર પોતાના યુગમાં અંધકારમાં વિજળી સમાન હતા તેમણે 80 થી વધારે ધર્મસ્થાનોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારે અહિં 200 થી વધારે સંસ્થાઓને અક મંચ આપવાનો પ્રયાસ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનનો અભિનંદનીય છે.
શિવાનંદ આશ્રમના પ્રમુખ પૂજ્ય શ્રી પરમાત્માનનદજીએ પોતાના આશિર્વચન આપતા કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં એક માન્યતા છે કે હિંદુ ધર્મ એક જીવન પદ્ધતિ છે એની પાછળ હિંદુ જીવન દર્શન છે જેના અનેક પાસાઓ છે જેમાનું એક છે જીવન ધર્મમય હોવું જોઇએ. ધર્મ એટલે કર્તવ્ય પરાયણતા, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું કર્તવ્ય, ઉત્તરદાયિત્વ નિભાવવું એટલે જ આપણા આદર્શ ભગવાન શ્રી રામ છે. આપણે આપણા કર્તવ્યની માંગ પ્રમાણે સેવા કાર્યો કરીએ છીએ પરંતુ અન્ય ધર્માવલંબીઓ જ સેવા કરે છે તેવી ભ્રામક માન્યતા ઉભી કરવામાં આવી હોવાથી સમયની માંગ પ્રમાણે આપણે આવા મેળા કરવા પડે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ આધ્યાત્મ, ધર્મપરાયણતા અને સેવાના પાયા ઉપર ઉભી થઈ અને વિકસી છે. આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઉંડા છે કે અન્ય સંસ્કૃતિઓ કાળક્રમે વિલિન થઈ ગઈ જ્યારે ભારતીય સંસ્કૃતિ અખંડ રહી છે. હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાન સેવા કાર્યો દ્વારા મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયાસરત છે. આ મેળાના માધ્યમથી લોકો સેવા, સંસ્કાર અને અધ્યાત્મની ભાવનાને બળવત્તર બનાવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું કે અહિં ઉપસ્થિત ઘણા લોકો સ્વતંત્ર દેશમાં જન્મેલા છે. દેશમાં હમણા જે પરિવર્તનના ચક્રનો પ્રારંભ થયો છે, વિશ્વના મંચ ઉપર દેશનું જે સન્માન થઈ રહ્યું છે તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત સૌ તેના મૂક સાક્ષી ન બની રહેતા સક્રીય સહયોગી બને તેવી અપેક્ષા છે. આ પૂણ્યભૂમિ છે, દેવતાઓની ભૂમિ છે, સન્યાસીઓની ભૂમિ છે અને તે સૌના આશિર્વાદ આપણને પ્રાપ્ત છે. ત્યાગ અને સેવાની દ્રષ્ટી આપતી આ ભૂમિ છે અને એમાં આપણો જન્મ થયો છે. વિશ્વભરમાં એવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે સેવા કરવાવાળા ચોક્કસ વર્ગના જ લોકો જ હોય છે જોકે ભારતમાં તો એક પરંપરા છે કે જેમાં ભંડારા, લંગર, અન્નક્ષેત્ર વગેરે સતત ચાલતા રહેતા હોય છે જેમાં પ્રતિદિન આશરે એક કરોડ લોકો ભોજન લેતા હોય છે. આજે ભારતની ધાર્મિક સંસ્થાઓ અનેક પ્રકારના સેવા કાર્યો સંતોના માર્ગદર્શનથી કરવામા આવી રહ્યા છે. હિંદુ એટલે ધર્મ, અધ્યાત્મ, વિચાર, જીવનશૈલી, જીવનના મૂલ્યો અને સેવા છે. હિંદુ ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ માત્ર પૂજાપાઠ, અનુષ્ઠાન કે કર્મકાંડ પૂરતી જ સિમિત નથી તેઓ અનેક સેવા કાર્યો વિદ્યાલયો, ચિકિત્સાલયો, વૈદિક જ્ઞાન આપતા ગુરુકુળો પણ ચલાવી રહ્યા છે અને સેવા કરતા રહ્યા છે. ધર્મની વાત કરીએ એટલે સેવા કર્તવ્ય આવે જ છે.
આ મેળામાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંયોજકશ્રી ગુણવંતસિંહ કોઠારી, સ્વામીશ્રી લલિત કિશોરદાસ મહારાજ, પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજ, શ્રી ભાગેશ જહા, ઉપરાંત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન ગુજરાત ના શ્રી તુલસીરામ ટેકવાણી (પ્રાંત અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), નારણભાઈ મેઘાણી (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), ઘનશ્યામભાઈ વ્યાસ (સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકરો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.



