Category Archives: News

17-05-2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ દિ.16-05-2025 થી પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો. આ વર્ગમાં કુલ 37 જિલ્લામાંથી 266 શિક્ષાર્થીઓ, 27 શિક્ષકો દ્વારા સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ પ્રાપ્ત કરશે. શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગ સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવશે. વર્ગ દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક શ્રી સુમંતજી અને સહપ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

વર્ગનું શુભારંભ અખંડધામ પીઠાધિશ્વર પ.પૂ.સ્વામી શ્રી બ્રહ્માનંદસાગરજી (વેદાંતચાર્ય, સ્વામી અખંડાનંદ વિદ્યામંદિર આશ્રમ, ખાંભેલ, બહુચરાજી) દ્વારા વર્ગના સર્વાધિકારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ શ્રી ઇન્દ્રવદનભાઈ બારોટ તથા ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ અવસરે પોતાના આશીર્વચનમાં પ.પૂ.સ્વામી શ્રી બ્રહ્માનંદસાગરજીએ કહ્યું કે સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે. આપણને ભારતમાતાના ગૌરવશાળી પ્રાચીન ઈતિહાસથી અર્વાચીન વિશ્વવ્યાપી સંચાર સુધીના પથ પર વેદ-વેદાંત આધારિત “એકોહમ બહુસ્યામિ” સ્વરૂપ અંગે ગૌરવ છે, આજના સમયમાં યુવા ભારતની એકતા, સમતા, સ્થિરતા-સમતોલનને શ્રેષ્ઠત્વ તરફ પ્રયાણ કરવા સ્વત્વને ઓળખવું જરૂરી છે.

આ અવસરે વર્ગ કાર્યવાહે જણાવ્યું કે, આત્મવિકાસ અને આત્મસાધના માટે આ પ્રકારના વર્ગનું આયોજન થાય છે. આત્મ સાધના દ્વારા રોજિંદા જીવનની વ્યવસ્થા અને વ્યસ્તતામાંથી એક જ વિષય પર મન પરોવવા થી સત્ – ચિત્ત – આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. સમગ્ર વર્ગ દરમિયાન કુલ 35 પ્રબંધકો દ્વારા વર્ગ સ્થાનની સ્વચ્છતા, નિવાસ, ભોજન જેવી વિવિધ વ્યવસ્થાઓનું પ્રબંધન કરવામાં આવનાર છે. વિશેષતઃ ભોજન વ્યવસ્થા હેઠળ પાટણના વિવિધ વિસ્તારમાંથી તથા પાટણ તાલુકાના વિવિધ ગામોમાંથી વર્ગમાં ભોજન માટે રોટલી, ભાખરી અને રોટલાં એકત્ર કરી સામાજિક એકત્વ અને પરિવારભાવનું પ્રકટીકરણ કરવામાં આવનાર છે.

17-05-2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ (સામાન્ય)નો પ્રારંભ ભરુચ જિલ્લાના આમોદમાં શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 16 મે 2025ના રોજ થયો છે. આ 15 દિવસીય વર્ગમાં દક્ષિણ ગુજરાતના દાહોદ થી ડાંગ સુધીના 16 થી 40 વર્ષ સુધી 170 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. વર્ગમાં 21 શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ આપવામાં અપાશે, જ્યારે 27 જેટલા પ્રબંધકો વ્યવસ્થાપન કામગીરી સંભાળશે.

        વર્ગનું શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નહિયેરના પૂજ્ય સંત શ્રી ભક્તિસ્વામીજી તથા પૂજ્ય સંતશ્રી કેશવપ્રિય સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું. પૂજ્ય સંતશ્રી કેશવપ્રિય સ્વામીજી આશિર્વચન આપતા કહ્યું કે સંઘના સ્વયંસેવકો ભારતમાતાના સ્વયંસેવક છે અને તેમના સમર્પણના કારણે જ સંઘનું કાર્ય વધી રહ્યું છે. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા, સહ પ્રાંત પ્રચારક શ્રી કૃણાલભાઈ રૂપાપરા તેમજ વર્ગના સર્વાધિકારી શ્રી રાજેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

        આ વર્ગમાં શ્રી રાજેશભાઈ જોષી (સર્વાધિકારી), શ્રી તેજસભાઇ પટેલ (વર્ગ કાર્યવાહ), શ્રી પ્રકાશભાઇ પટેલ (વર્ગના વાલી) તથા શ્રી મનોજભાઈ કલસરિયા (મુખ્ય શિક્ષક) તરીકે પૂર્ણ સમય ઉપસ્થિત રહેવાના છે. વર્ગ દરમિયાન સવારે 4:30 વાગ્યે જાગરણ થી શરૂ થઈ રાત્રિના 10:15 વાગ્યાં સુધીના સમયમાં સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગ સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ પણ મેળવશે. તે સિવાય કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌસેવા, સેવા કાર્યો, પ્રચાર અને સંઘ સંપર્ક જેવા વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવશે.

        વર્ગ દરમિયાન ભોજન માટે આમોદ અને જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી વર્ગમાં ભોજન માટે રોટલી, ભાખરી અને રોટલાં એકત્ર કરી સામાજિક એકત્વ અને પરિવારભાવનું પ્રકટીકરણ કરવામાં આવનાર છે. મે મહિનામાં દેશભરના અનેક કેન્દ્રો પર આવા વર્ગોનું આયોજન થાય છે જેમાં સ્વયંસેવકો તપસ્વી ભાવથી સંપૂર્ણ સમય આપીને સમાજ માટે તૈયાર થાય છે.

  • શ્રી અતુલજી લીમયે

18-04-2025, કર્ણાવતી

કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. શ્રી હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ.

મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, રા.સ્વ. સંઘ અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય મા. શ્રી ભય્યાજી જોશીએ શોકસંદેશ દ્વારા શ્રદ્ધાંજલી અર્પિત કરી.

      રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી હરીશભાઈ નાયક 13-04-2025ના રોજ સ્વર્ગવાસી થયા. તેમનું ધ્યેયનિષ્ઠ જીવન સૌ માટે પ્રેરક હતું. તેઓ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે ગઇકાલે સાંજે સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું.

      મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સામાજિક અગ્રણીઓ સહિત મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલી સભા ઉપસ્થિત રહી દિવંગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. મા.સંસદસભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેર ભાજપ, અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન સહિત અનેક સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલી સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

      આ અવસરે  પ્રાસંગિક ઉદ્‌બોધનમાં રા.સ્વ.સંઘના સહ સરકાર્યવાહ શ્રી અતુલજી લીમયેએ કહ્યું કે રા.સ્વ.સંઘમાં પ્રચારક પરંપરા એક અદભુત પરંપરા છે લગભગ 1942થી આ પરંપરા ચાલે છે અને ત્યારથી આજ સુધી આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે પ્રચારક નીકળવા માટેની એક જ પૂર્વશર્ત છે માતૃભૂમિ માટે પ્રેમ. શિક્ષિત, અશિક્ષિત, આર્થિક સંપન્ન, નિર્ધન અનેક પ્રકારના કાર્યકર્તાઑ પ્રચારક નીકળયા છે. સમાજમાં જઈને સમાજની જેમ જ રહેવું એ પ્રચારક જીવન છે. સંપૂર્ણ સમાજમાં એક સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય આ બધા જ પ્રચારકોએ કર્યું છે.

      શ્રી અતુલજીએ કહ્યું કે શ્રેષ્ઠ મન:સ્થિતિ કેવી રીતે બને છે જેમ કે સ્વ. હરીશભાઈ નાયકએ મૃત્યુ પછી પણ દેહદાન કર્યું. એવા કેટલાય પ્રચારકો છે જેમણે એક સાધારણ વ્યક્તિથી એક આદર્શ કાર્યકર્તા કેવીરીતે બનાય છે તેનો માર્ગ આપણને દેખાડ્યો છે. હરીશભાઈ જેવા પ્રચારકોનું જીવન એવા બધા જ વિધ્યમાન પ્રચારકો અને વિધ્યમાન ગૃહસ્થ કાર્યકર્તાઑ માટે એક આદર્શ પ્રસ્તુત કરે છે કે પોતાના જીવનમાં એક સાધારણ વ્યક્તિથી એક આદર્શ કાર્યકર્તા સુધીનો પ્રવાસ કેવી રીતે કરવો જોઈએ. તેમણે કહ્યું કે હરીશભાઈએ જેવા પ્રચારકોને જો શ્રદ્ધાંજલી અર્પિત કરવી હોય તો હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એ જ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.

21-03-2025

ગુજરાતમાં અને અખિલ ભારતીય સ્તરે સંઘકાર્યમાં વૃદ્ધિ

મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા “નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું.
સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે “એક થાળી એક થેલા અભિયાન” 
મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા રાહત કાર્ય
બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથી સાથે ઊભા રહેવાનું આહ્વાન.
સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સંકલ્પ “વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્દૂ સમાજનું નિર્માણ”

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 21-23 માર્ચ 2025 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1482 કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને  દિપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ સમાજજીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામ ને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં સ્વામી પ્રણવાનંદ તીર્થપાદર, પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ, ઉસ્તાદ ઝાકિર હુસૈન, શ્રી શ્યામ બેનેગલ, શ્રી પ્રિતેશ નંદી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી કામેશ્વર ચૌપાલ, પૂ. સિયારામ બાબા, પૂ. સંત સુગ્રીવાનંદજી મહારાજ સહિત બીજા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

સંઘકાર્ય સ્થિતિ : વર્તમાનમાં સંઘની કુલ 83129 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 10,000 શાખાઓનો વધારો થયો છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 32147 છે, જેમાં ગયા વર્ષ કરતાં 4430 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 12,091 છે. 
સેવાકાર્ય સ્થિતિ :  દેશભરમાં 89,706 સેવાકાર્યો ચાલી રહ્યા છે. જેમાથી 40,920 શિક્ષાના ક્ષેત્રમાં, 17,461 ચિકિત્સા સેવા, 10,779 સ્વાવલંબનના ક્ષેત્રમાં અને 20,546 સામાજિક જાગરણ સંબંધિત ગતિવિધિ ચાલી રહી છે. 
ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ : ગુજરાતમાં વર્તમાનમાં 1747 દૈનિક શાખા, 1482 સાપ્તાહિક મિલન તથા 839 સંઘમંડળ છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે. 
ગુજરાતમાં સેવાકાર્ય : ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2568 સેવાકાર્યો ચાલી રહ્યા છે
 
         પ્રતિનિધિ સભામાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે મહાકુંભ હિન્દુ સમાજનું ગૌરવ વધારનાર, આત્મવિશ્વાસ જગાડવાવાળો તથા અવિસ્મરણીય રહ્યો. કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી ઇતિહાસ બનાવ્યો. 
          મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા “નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું જેમાં 2,37,964 લોકોની આંખોની તપાસ કરવામાં આવી, 1,63,652 નિ:શુલ્ક ચશ્મા વિતરણ, 17,069 મોતિયાબિંદ ઓપરેશન કરવામાં આવ્યા. કુલ 53 દિવસના આ સેવાકાર્યમાં 300 થી વધુ નેત્ર ચિકિત્સક અને 2800 કાર્યકર્તાઓએ સેવા આપી.
          સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા સમાજના અનેક સંગઠન અને સંસ્થાઓના સહયોગથી પ્લાસ્ટિકના વિકલ્પરૂપે “એક થાળી એક થેલા અભિયાન”  ચલાવવામાં આવ્યું જે ખુબ જ સફળ રહ્યું. આ અભિયાન અંતર્ગત કુલ 2,441 સંસ્થા-સંગઠનો દ્વારા 14,17,064 થાળીઓ અને 13,46,128 થેલાઓનું વિવિધ પ્ંડાલોમાં વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ કુંભની કલ્પના સમાજ સુધી પહોચાડવા આ એક સફળ પ્રયોગ રહ્યો. 
          Join RSS વેબસાઇટના માધ્યમ દ્વારા 2012 થી અત્યાર સુધી 12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
          અહલ્યાબાઈ હોલકરની જન્મ ત્રિશતાબ્દી વર્ષમાં દેશભરમાં અનેક સામાજિક, શૈક્ષણિક સસ્થાઓ દ્વારા લોકમાતા અહલ્યાબાઈ હોલકરના પ્રેરક વ્યક્તિત્વને સમાજની સામે લાવવા માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યા. 

મણિપુરની ગત 20 મહિનાથી અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા હિંસા પ્રભાવિત લોકો માટે રાહત કાર્ય કર્યું અને વિવિધ સમુદાયો સાથે નિરંતર સંપર્ક રાખીને પરિસ્થિતીને નિયંત્રણમાં કરવાના અને વિવિધ સમુદાયોના લોકો વચ્ચે સમજૂતી માટે પ્રયત્નો કરવામાં આવ્યા.

બાંગલાદેશની વર્તમાન પરિસ્થિતિ પર ઠરાવ :

પ્રતિનિધિ સભામાં હિન્દુ સમાજ, અન્ય દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરતા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં બાંગ્લાદેશના હિન્દુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયના સમર્થનમાં એકતા દાખવી, અને ન્યાય માટે તેમની સાથે ઊભા રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્દૂ સમાજનું નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો.

વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સમરસ અને સંગઠિત હિન્દુ સમાજનું નિર્માણ

23-03-2025

હિન્દુ સમાજ અનાદિ કાળથી જેનો ઉદ્દેશ્ય માનવ એકતા અને વિશ્વ કલ્યાણ છે એવી એક સુદીર્ઘ અને અવિસ્મરણીય યાત્રામાં સાધનારત છે. તેજસ્વી માતૃશક્તિની સાથે સંતો, ધર્મગુરુઓ અને મહાપુરુષોના આશીર્વાદ અને પ્રયત્નોને કારણે આપણું રાષ્ટ્ર અનેક ઉતાર-ચઢાવ આવવા છતાં સતત આગળ વધી રહ્યું છે.

રાષ્ટ્રીય જીવનમાં કાળક્રમે આવી ગયેલા અનેક દોષોને દૂર કરી ભારતને એક સંગઠિત, ચારિત્ર્યસંપન્ન અને સક્ષમ રાષ્ટ્ર તરીકે પરમ વૈભવ સુધી લઈ જવાના હેતુથી પરમ પૂજનીય ડૉ. કેશવ બલીરામ હેડગેવારે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યનો આરંભ કર્યો. સંઘ કાર્યનું બીજારોપણ કરતા ડૉ. હેડગેવારે દૈનિક શાખાના રૂપમાં વ્યક્તિ નિર્માણની અનોખી પદ્ધતિ વિકસાવી જે આપણી શાશ્વત પરંપરાઓ અને મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટેની નિઃસ્વાર્થ તપસ્યા બની. ડૉ. હેડગેવારના જીવનકાળ દરમિયાન સંઘકાર્ય રાષ્ટ્રવ્યાપી બન્યું. દ્વિતીય સરસંઘચાલક પૂજનીય શ્રી ગુરુજી (માધવ સદાશિવ ગોલવલકર) ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં શાશ્વત ચિંતનના પ્રકાશમાં કાળસુસંગત યુગાનુકુલ રચનાઓના નિર્માણની પ્રક્રિયાનો આરંભ થયો.

સો વર્ષની આ યાત્રામાં સંઘે દૈનિક શાખા દ્વારા પ્રાપ્ત કરેલા મૂલ્યો દ્વારા સમાજનો અતૂટ વિશ્વાસ અને સ્નેહ પ્રાપ્ત કર્યો છે. આ કાલખંડમાં સંઘના સ્વયંસેવકોએ પ્રેમ અને આત્મીયતાના બળ પર માન-અપમાન અને રાગ-દ્વેષથી ઉપર ઊઠીને સૌને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કર્યો. સંઘકાર્યની શતાબ્દીના અવસરે અમારું કર્તવ્ય છે કે જેમના આશીર્વાદ અને સમર્થન દરેક પરિસ્થિતિમાં અમારી શક્તિ બન્યા તે આદરણીય સંતો અને સમાજની સજ્જન શક્તિને, પોતાનું જીવન સમર્પિત કરનારા નિઃસ્વાર્થ કાર્યકરો અને મૌન સાધનામાં રત સ્વયંસેવક પરિવારોનું સ્મરણ કરીએ.

સૌહાર્દપૂણ વિશ્વ બનાવવા માટે ભારત પાસે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓને પરિણામે અનુભવથી પ્રાપ્ત જ્ઞાન ઉપલબ્ધ છે. આપણું ચિંતન ભેદભાવપૂર્ણ અને આત્મઘાતી પ્રવૃત્તિઓથી માનવને સુરક્ષિત રાખીને ચરાચર વિશ્વમાં એકત્વની ભાવના અને શાંતિ સુનિશ્ચિત કરે છે.

સંઘનું માનવું છે કે ધર્મના અધિષ્ઠાન ઉપર આત્મવિશ્વાસથી ભરપૂર સંગઠિત સામૂહિક જીવનના આધારે જ હિન્દુ સમાજ પોતાના વૈશ્વિક દાયિત્વોને પ્રભાવી રીતે નિભાવી શકશે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારના મતભેદોને નકારતા સમરસતાયુક્ત આચરણ, ર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર આધારિત મૂલ્ય-લક્ષી પરિવાર સ્વ-બોધથી ઓતપ્રોત અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સમાજનું ચિત્ર નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ. આના આધાર ઉપર આપણે સમાજના તમામ પ્રશ્નોનું સમાધાન, પડકારોને ઉત્તર આપતા ભૌતિક સમૃદ્ધિ તથા આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ સમર્થ રાષ્ટ્રીય જીવન નિર્માણ કરી શકીશું.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સજ્જન શક્તિના નેતૃત્વમાં સમગ્ર સમાજને સાથે લઈને વિશ્વ સમક્ષ ઉદાહરણરૂપ સમરસ અને સંગઠિત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે.

22-03-2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 2025

જનસેવા વિદ્યા કેન્દ્ર, ચન્નેનહહલ્લી, બેંગલુરુ. 21-23 માર્ચ, 2025

પ્રસ્તાવ 1 : બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથી સાથે ઊભા રહેવાનું આહ્વાન

  1. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો પર ઇસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા સતત સુનિયોજીત હિંસા, અન્યાય અને ઉત્પીડન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આ સ્પષ્ટપણે માનવ અધિકારોના હનનની ગંભીર બાબત છે.
  2. બાંગ્લાદેશમાં વર્તમાન સત્તા પલટા દરમિયાન, મઠ-મંદિરો, દુર્ગા પૂજાના પંડાલો અને શૈક્ષણિક સંસ્થાઓ પર હુમલાઓ, મૂર્તિઓનો અનાદર, ક્રૂર હત્યાઓ, સંપત્તિની લૂંટ, મહિલાઓના અપહરણ અને અત્યાચાર, બળજબરીથી ધર્માંતરણ જેવી ઘણી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાઓને માત્ર રાજકીય ગણાવીને તેના ધાર્મિક પાસાને નકારવું એ સત્યથી મોઢુ ફેરવી લેવા જેવું છે, કારણ કે મોટાભાગના પીડિતો હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના છે.

બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુ સમુદાય, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય પર ઉત્પીડન એ કોઈ નવી વાત નથી. બાંગ્લાદેશમાં હિંદુઓની સતત ઘટી રહેલી વસ્તી (1951માં 22 ટકાથી હાલમાં 7.95 ટકા) દર્શાવે છે કે તેઓ અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યા છે. વિશેષરૂપે, છેલ્લા એક વર્ષમાં હિંસા અને ઘૃણાને રાજ્ય અને સંસ્થાકીય રીતે આપવામાં આવેલ સમર્થન ગંભીર ચિંતાનો વિષય છે. સાથે સાથે બાંગ્લાદેશ તરફથી આવી રહેલા સતત ભારત વિરોધી નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધોને ઊંડું નુકસાન પહોંચાડી શકે છે.

કેટલીક આંતરરાષ્ટ્રીય શક્તિઓ જાણીજોઈને ભારતના પડોશી પ્રદેશોમાં અવિશ્વાસ અને સંઘર્ષનું વાતાવરણ ઊભું કરી એક દેશને બીજા દેશ વિરુદ્ધ ઉભા કરીને અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ રહી છે. પ્રતિનિધિ સભા વિચારશીલ વર્ગો અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોને ભારત વિરોધી વાતાવરણ, પાકિસ્તાન અને ‘ડીપ સ્ટેટ’ની સક્રિયતા પર નજર રાખવા અને તેને ઉજાગર કરવા અનુરોધ કરે છે.

પ્રતિનિધિ સભાએ તથ્યને રેખાંકિત કરવા માંગે છે કે આ સમગ્ર પ્રદેશમાં એક સમાન સંસ્કૃતિ, ઇતિહાસ અને સામાજિક સંબંધો છે, જેના કારણે કોઈ એક જગ્યાએ થતી ઉથલપાથલ સમગ્ર પ્રદેશમાં તેનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. પ્રતિનિધિ સભાનું માનવું છે કે તમામ જાગૃત લોકોએ ભારત અને પડોશી દેશોના આ સમાન વારસાને દ્રઢતા આપવાની દીશામાં પ્રયત્નો કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના હિંદુ સમાજે આ અત્યાચારોનો શાંતિપૂર્ણ, સંગઠિત અને લોકતાંત્રિક રીતે સાહસપૂર્વક વિરોધ કર્યો છે. એ પણ પ્રશંસનીય છે કે ભારત અને વિશ્વભરના હિન્દુ સમાજે તેમને નૈતિક અને ભાવનાત્મક સમર્થન આપ્યું છે. ભારત અને શેષ વિશ્વના અનેક હિંદુ સંગઠનોએ આ હિંસા વિરુદ્ધ આંદોલન અને પ્રદર્શન કર્યા છે અને બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા અને સન્માનની માંગ કરી છે. સાથે સાથે વિશ્વભરના અનેક નેતાઓએ પણ પોતાના સ્તરે આ મુદ્દો ઉઠાવ્યો છે.

ભારત સરકારે બાંગ્લાદેશના હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે ઊભા રહેવાની અને અને તેમની સુરક્ષાની આવશ્યકતા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે આ મુદ્દો બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે તેમજ અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઉઠાવ્યો છે. પ્રતિનિધિ સભા ભારત સરકારને બાંગ્લાદેશ સરકાર સાથે સતત સંવાદ જાળવવા અને બાંગ્લાદેશના હિંદુ સમુદાયની સલામતી, ગૌરવ અને સહજ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક સંભવ પ્રયાસ કરવા અનુરોધ કરે છે.

પ્રતિનિધિ સભાનો અભિપ્રાય છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વૈશ્વિક સમાજે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તનનું ગંભીરતાથી સંજ્ઞાન લેવું જોઈએ અને બાંગ્લાદેશ સરકાર પર આ હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે દબાણ કરવું જોઈએ. પ્રતિનિધિ સભા હિન્દુ સમુદાય અને અન્યાન્ય દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આહ્વાન કરે છે કે તેઓ બાંગ્લાદેશી હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના સમર્થનમાં એક થાય અને તેમનો અવાજ ઉઠાવે.

પ્રસ્તાવ

https://www.rss.org/hindi//Encyc/2025/3/22/ABPS-Bengaluru-Resolution.html
16-03-2025

संघ शताब्दी वर्ष में घोष कार्य का गुणात्मक विकास हेतु यह कार्यक्रम संपन्न हुआ।
गुजरात प्रांत के ४८ जिला/भाग से ३९ जिला /भाग के घोष वादक उपस्थित रहे।
प्रांत से चयनित कुल – २४३ घोष वादक उपस्थित रहे।

यह कार्यक्रम दो चरण में सुनिश्चित किया गया था………

👉 १. भारत – पाकिस्तान ० लाइन बोर्डर पर १:१०(७० मिनट ) स्थिर वादन और संचलन ।
( आनक – शंख – वेणु/ शृंग – मधुरिका) मिलाकर कुल २९ रचनाओं का वादन हुआ।
👉 २. BSF RETREAT स्थान पर १:१५ (७५ मिनट )घोष वादन ३ प्रात्यक्षिक के साथ स्थिर वादन में ३३ रचनाओं का वादन हुआ।

सार्वजनिक कार्यक्रम में कुल २७०० से अधिक बंधु – माता – भगीनी – विशेष सज्जन शक्ति, नागरिक उपस्थित रहे।

विशेष उपस्थित……

१.श्री जयंतीभाई भाडेसिया ( पश्चिम क्षेत्र मां. संघ चालक + अध्यक्ष सीमा जागरण मंच)
२.श्री भरतभाई पटेल ( गुजरात प्रांत मां. संघ चालक)
३.श्री कृणालभाई रुपापरा ( गुजरात प्रांत सह प्रचारक)
४.श्री कमलेशभाई रादडिया ( सौराष्ट्र प्रांत सह प्रचारक)
५.श्री जिवनभाई आहिर ( गुजरात – सौराष्ट्र सीमा जागरण मंच संयोजक)
६.श्री रामभजन लाहिरी (पंजाब प्रांत घोष प्रमुख)

विशेष आमंत्रित….

1.श्री मनोजसुदन राव (CO 8 BATTALION – BSF GUJARAT)

2.श्री सालरिया जी ( SECOND IC COMMANDANT – BSF)

3.श्री संदिपकुमार (DEPUTY COMMANDANT – BSF)

4.श्री हरि चरण जी (BSF OFFICER – NADABET)

विशेष उल्लेखनीय वृत्त……….

१. बनास रचना का पहली बार सार्वजनिक वादन किया गया।
२. शृंग दल में जयोस्तुते – कदम कदम बढ़ाए जा गीत और राष्ट्रगान जन गण मन का वादन हुआ।( स्थान पर उपस्थित सभी लोगों ने खड़े होकर वादन के साथ राष्ट्रगान गाया।)
३. कार्यक्रम के लिए नया गीत गुजराती ( सीमा पर संघोष भारत का जय घोष) बनाया गया।

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે સમાપન સમારોહમાં સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશભક્તિ,સાયબરસેફ્ટી અને ભારતના ઇતિહાસ વિષય પર સુંદર ડાન્સ – ડ્રામા અને નાટિકાની પ્રસ્તુતિ કરી. આ અવસરે પરમ પૂજનીય દ્વારકેશલાલજી વૈષણવાચાર્ય,કલ્યાણ પુસ્ટિ હવેલી,અમદાવાદ દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પારિવારિક સંસ્કાર અને જીવન મૂલ્યોનો અભાવ છે તેના માટે સેવા સંસ્થાઓ ચિંતિત છે,જીવનમાં આપણાંમાં આચાર ,વિચાર અને સંસ્કારની સંપન્નતા લાવવી હશે તો તેને આપણાં આચાર -વિચારમાં ઉતારવા પડશે.સમાજમાં વિવિધ મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ મેળાનો સંકલ્પ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓનું યોગદાન એ ધ્યાનમાં આવે તેના માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા માં આપણે જે શ્રવણ અને દર્શન કર્યું એ સમગ્ર ઉપદેશ અને આદેશને આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ.

પૂ. સંતપ્રસાદ સ્વામીએ (હાલોલ) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે પ્રકૃતિ,ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને સજાગ થવાની જરૂર છે. જો 50% સમાજ આપણાં સાંસ્કૃતિક ચિન્હો ધારણ કરતો થઈ જાય તો આપણી સમસ્યાઓનું આપમેળે નિવારણ આવી જશે.

ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમનો લાભ આશરે 8 લાખ લોકોએ લીધો.264 સેવા સંસ્થાઓના સ્ટોલ આ મેળામાં હતા. તે સિવાય લાઈવ કુંભ દર્શન, અયોધ્યા રામ મંદિર દર્શન,CRPF,RAF,ISRO,આદિવાસી સમાજની ઝાંખી,સ્વામી આયપ્પા મંદિર,મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા સહિત અનેક સંસ્થાઓએ સુંદર ઝાંખી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) નું ઉદ્ઘાટન મા. શ્રી અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર) ના હસ્તે મા. શ્રી સુરેશ ભય્યાજી જોશી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ), મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) ની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આધ્યાત્મ અને સેવાના ભવ્ય સંગમ સમાન એવો આ મેળો તારીખ 23 થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાયેલો છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીની બોલતા જણાવ્યું કે સંતો, મહંતો, મઠો દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે પરંતુ તેનો પ્રચાર કરવામાં આવતો નથી તે સેવાકાર્યો અને સંસ્થાઓને એક મંચ આપવાનો પ્રયાસ એટલે હિંદુ અધ્યાત્મ અને સેવા મેળો. હિંદુ સંતો, મહંતો, મઠો અને અન્યો દ્વારા ચાલતા વિશ્વપ્રસિદ્ધ કાર્યોનું ઉદાહરણ એટલે કુંભમેળો જે અંગ્રેજોના સમયે, મુઘલોના સમયે અને કોંગ્રેસના શાસનમાં પણ યોજાતો રહ્યો જેમાં સરકારનું યોગદાન તો શ્રીરામ સેતુ નિર્માણમાં ખિસકોલીએ આપેલા યોગદાન જેટલું જ હોય છે. કુંભથી મોટો એકતા અને સમરસતાનું સૌથી મોટુ ઉદાહરણ છે. મેળામાં પૂણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરના સ્ટોલ જોવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે દેવી અહ્લ્યાબાઈ હોલકર પોતાના યુગમાં અંધકારમાં વિજળી સમાન હતા તેમણે 80 થી વધારે ધર્મસ્થાનોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારે અહિં 200 થી વધારે સંસ્થાઓને અક મંચ આપવાનો પ્રયાસ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનનો અભિનંદનીય છે.

શિવાનંદ આશ્રમના પ્રમુખ પૂજ્ય શ્રી પરમાત્માનનદજીએ પોતાના આશિર્વચન આપતા કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં એક માન્યતા છે કે હિંદુ ધર્મ એક જીવન પદ્ધતિ છે એની પાછળ હિંદુ જીવન દર્શન છે જેના અનેક પાસાઓ છે જેમાનું એક છે જીવન ધર્મમય હોવું જોઇએ. ધર્મ એટલે કર્તવ્ય પરાયણતા, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું કર્તવ્ય, ઉત્તરદાયિત્વ નિભાવવું એટલે જ આપણા આદર્શ ભગવાન શ્રી રામ છે. આપણે આપણા કર્તવ્યની માંગ પ્રમાણે સેવા કાર્યો કરીએ છીએ પરંતુ અન્ય ધર્માવલંબીઓ જ સેવા કરે છે તેવી ભ્રામક માન્યતા ઉભી કરવામાં આવી હોવાથી સમયની માંગ પ્રમાણે આપણે આવા મેળા કરવા પડે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ આધ્યાત્મ, ધર્મપરાયણતા અને સેવાના પાયા ઉપર ઉભી થઈ અને વિકસી છે. આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઉંડા છે કે અન્ય સંસ્કૃતિઓ કાળક્રમે વિલિન થઈ ગઈ જ્યારે ભારતીય સંસ્કૃતિ અખંડ રહી છે. હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાન સેવા કાર્યો દ્વારા મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયાસરત છે. આ મેળાના માધ્યમથી લોકો સેવા, સંસ્કાર અને અધ્યાત્મની ભાવનાને બળવત્તર બનાવશે.   

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું કે અહિં ઉપસ્થિત ઘણા લોકો સ્વતંત્ર દેશમાં જન્મેલા છે. દેશમાં હમણા જે પરિવર્તનના ચક્રનો પ્રારંભ થયો છે, વિશ્વના મંચ ઉપર દેશનું જે સન્માન થઈ રહ્યું છે તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત સૌ તેના મૂક સાક્ષી ન બની રહેતા સક્રીય સહયોગી બને તેવી અપેક્ષા છે. આ પૂણ્યભૂમિ છે, દેવતાઓની ભૂમિ છે, સન્યાસીઓની ભૂમિ છે અને તે સૌના આશિર્વાદ આપણને પ્રાપ્ત છે. ત્યાગ અને સેવાની દ્રષ્ટી આપતી આ ભૂમિ છે અને એમાં આપણો જન્મ થયો છે. વિશ્વભરમાં એવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે સેવા કરવાવાળા ચોક્કસ વર્ગના જ લોકો જ હોય છે જોકે ભારતમાં તો એક પરંપરા છે કે જેમાં ભંડારા, લંગર, અન્નક્ષેત્ર વગેરે સતત ચાલતા રહેતા હોય છે જેમાં પ્રતિદિન આશરે એક કરોડ લોકો ભોજન લેતા હોય છે. આજે ભારતની ધાર્મિક સંસ્થાઓ અનેક પ્રકારના સેવા કાર્યો સંતોના માર્ગદર્શનથી કરવામા આવી રહ્યા છે. હિંદુ એટલે ધર્મ, અધ્યાત્મ, વિચાર, જીવનશૈલી, જીવનના મૂલ્યો અને સેવા છે. હિંદુ ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ માત્ર પૂજાપાઠ, અનુષ્ઠાન કે કર્મકાંડ પૂરતી જ સિમિત નથી તેઓ અનેક સેવા કાર્યો વિદ્યાલયો, ચિકિત્સાલયો, વૈદિક જ્ઞાન આપતા ગુરુકુળો પણ ચલાવી રહ્યા છે અને સેવા કરતા રહ્યા છે. ધર્મની વાત કરીએ એટલે સેવા કર્તવ્ય આવે જ છે.

આ મેળામાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંયોજકશ્રી ગુણવંતસિંહ કોઠારી, સ્વામીશ્રી લલિત કિશોરદાસ મહારાજ, પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજ, શ્રી ભાગેશ જહા, ઉપરાંત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન ગુજરાત ના  શ્રી તુલસીરામ ટેકવાણી (પ્રાંત અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન),  નારણભાઈ મેઘાણી (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), ઘનશ્યામભાઈ વ્યાસ (સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકરો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

10-01-2025

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન 09-01-2025 ના રોજ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા), આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી (શ્રી આભરણાચાર્ય) ગોસ્વામી હવેલી, અમદાવાદ, શ્રી મિહિરભાઈ પંડ્યા (ઝાયરા ડાયમંડ), શ્રીમતી નીરીજાબેન ગુપ્તા (ઉપકુલપતિ, ગુજરાત યુનીવર્સીટી)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ કહ્યું કે હિંદુની અવધારણા છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, જ્યારે સમગ્ર વિશ્વ આઈડેન્ટીટી ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે હિંદુ શું કરે છે? ભારત શું કરે છે? અને ભારતમાં ગુજરાત શું કરે છે? તે તરફ સૌની દૃષ્ટિ છે.
આ અવસરે શ્રીમતી નીરીજાબેન ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણી જે આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની એક મહાગાથા છે અને આજે આપણે બૌદ્ધિક, સંસ્કૃતિક, શારીરિક આક્રમણમાં અટવાઈ ગયા છીએ જો ત્યારે આપણી મહાગાથાને સમજી લઈએ તો કોઈપણ જાતનો મુંજવણમાં પડીએ જ નહિ. 
આચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ (શ્રી આભરણાચાર્ય) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે ત્યાં ધર્મની પરિભાષા જ એ છે કે જે આચાર વિચાર આપણે ધારણ કરીએ છીએ એજ ધર્મ છે. આ કાર્ય ખુબજ સુંદર થાય, બધા લોકો આનો લાભ લઇ શકે, સમાજને સાચી દિશા મળે તેવી હું મારી શુભેચ્છાઓ પ્રકટ કરું છું.
પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુએ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા) પોતાના આશીર્વચનમાં કહ્યું કે આપણી સંતાનોમાં આપણી સંસ્કૃતિના વિચાર સુદ્રઢ થાય એના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જ જો આપણે જતન કરીશું તો સો ટકા આપણે ભારત ને વિશ્વગુરૂના સ્થાને સ્થાપિત કરી શકીશું. 
મુખ્ય વક્તા પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીએ (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર) પોતાના આશીર્વચનમાં કહ્યું કે માણસ ક્યારે માણસ બનેલો કહેવાય જયારે એના જીવનમાં મર્યાદા આવે ત્યારે એ માણસ કહેવાય. શું કરવું અને શું ન કરવું એનું નામ જ જીવન શિક્ષણ છે. આજે પર કેપિટા આવક વધારવાની વ્યવસ્થા છે પરંતુ પર કેપિટા સંસ્કાર વધારવાની કોઇ વ્યવસ્થા નથી, જે ઉભી કરવી પડશે, રાષ્ટ્ર ભાવના પ્રસ્થાપિત કરવાની છે. આર્થિક માળખુ છે પરંતુ સામાજીક, ધાર્મિક સાંસ્કૃતિક માળખા ઘસાતા જાય છે તેને જાળવવાનો પ્રયાસ છે હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળો.  
હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પ્રાંત અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું જ્યારે નારણભાઈ મેઘાણીએ (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) મેળો યોજાવાનો છે તે સ્થાનમાં યોજાનારા કાર્યક્રમોનો ભૌગોલિક પરિચય આપ્યો હતો. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસે ૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન પ્રતિદિન આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.